જૂનાગઢ જિલ્લામાં ૨૩,૪૮૮ દીકરીઓને ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ – ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે સરકારની મોટી પહેલ.

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના હેતુથી અમલમાં મુકાયેલી ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હાલમાં કુલ ૨૩,૪૮૮ જેટલી વિદ્યાર્થીનીઓને સીધો લાભ મળી રહ્યો છે.

આ યોજનાનો હેતુ દીકરીઓને શૈક્ષણિક પ્રોત્સાહન આપવો અને તેમને ધોરણ ૮ પછી શિક્ષણમાંથી બહાર ન નીકળી જવા દેવાનો છે. ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ દીકરીઓનું અભ્યાસ પ્રત્યેનું ઉત્સાહ વધે તે માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

યોજના મુજબ,

  • ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતી દીકરીઓને દર મહિને રૂ. ૫૦૦ મુજબ વર્ષ દરમિયાન રૂ. ૫૦૦૦ મળે છે. બંને વર્ષ મળીને કુલ રૂ. ૧૦ હજાર મળે છે.

  • ધોરણ ૧૦ પાસ કર્યા બાદ વધારાના રૂ. ૧૦ હજાર મળે છે.

  • ધોરણ ૧૧ અને ૧૨માં દર મહિને રૂ. ૭૫૦ મુજબ વર્ષ દરમિયાન રૂ. ૭૫૦૦ સહાય મળે છે. બે વર્ષમાં કુલ રૂ. ૧૫ હજાર મળે છે.

  • ધોરણ ૧૨ પાસ થયા બાદ દીકરીઓને વધુ રૂ. ૧૫ હજાર સહાય આપવામાં આવે છે.

આ રીતે, ચાર વર્ષના અભ્યાસ દરમ્યાન દીકરીને કુલ રૂ. ૫૦ હજારની આર્થિક સહાય મળે છે.

યોજના હેઠળની રકમ સિધી જ બેન્ક ખાતામાં ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (DBT) મારફતે જમા કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ સહાય માત્ર એવા પરિવારોની દીકરીઓને મળે છે, જેમની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી છે.

‘નમો લક્ષ્મી યોજના’ દીકરીઓને શિક્ષણના ક્ષેત્રે આગળ વધવા માટે આર્થિક આધાર પૂરો પાડી રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ યોજનાનો વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘણી બધી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ