જૂનાગઢ જિલ્લામાં ૨૩ ઓગસ્ટ સુધી પરવાનગી વગર સભા અને સરઘસ પર પ્રતિબંધ.

જૂનાગઢ, તા. ૮ — જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જાહેર સુલેહ-શાંતિ બગડે નહીં તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા રજૂ કરાયેલી દરખાસ્તને આધારે આ પ્રતિબંધાત્મક આદેશ જાહેર થયો છે.

આ જાહેરનામા અનુસાર, તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૫થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ પ્રકારની સભા કે સરઘસ, સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર યોજી શકાશે નહીં.

જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ ફરજ બજાવતા ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી કર્મચારીઓ, લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રા કે જેમાં જોડાયેલા વ્યક્તિઓ તથા જે લોકોને કાયદેસર પરવાનગી આપવામાં આવી છે, તેમને લાગુ નહીં પડે.

પરંતુ, જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે અથવા પાલન નહી કરે, તો તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૧૩૫(૩) મુજબ કાયદેસર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ જાહેરનામાથી સ્પષ્ટ છે કે જિલ્લાની કાનૂની અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ જાળવવા માટે પ્રશાસન સતર્ક અને સજાગ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ