જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નદી-નાળા તૂટી પડ્યા છે, તો કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે તાત્કાલિક અસરથી મેંદરડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
કલેક્ટરે સૌથી પહેલાં સમઢીયાળા ગામને જોડતા પૂલનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં વરસાદી પાણીના તીવ્ર પ્રવાહના કારણે પૂલની બાજુએ ધોવાણ સર્જાઈ ગયું હતું. સાથે સાથે કલેક્ટરે મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે આજુબાજુના ગામો પર પડતી અસરનો તાગ મેળવ્યો હતો.
સ્થાનિક લોકોને પરિસ્થિતિ અંગે પૂછપરછ કરી કલેક્ટરે તાત્કાલિક રાહત કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે સૂચના આપી. કલેક્ટરશ્રીએ પ્રાંત અધિકારી, મામલતદાર તથા તંત્રના અન્ય અધિકારીઓને ‘રાહત અને બચાવ કામગીરી’ તાત્કાલિક ગતિમાન કરવા આદેશ આપ્યો.
સાથે સાથે કલેક્ટરે રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવા, ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપવા અને જરૂરિયાત મુજબ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવા તાકીદ કરી હતી.
કલેક્ટર સાથે અધિકારીઓની ટીમે મેંદરડા તાલુકાના અન્ય અસરગ્રસ્ત ગામોની પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ