જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ, નાગરિકોના પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે સૂચનાઓ.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકો તેમજ વિવિધ અરજદારો દ્વારા રજૂ થતી અરજીઓ, પ્રશ્નો અને રજૂઆતોને સીધા સાંભળવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કલેકટર સમક્ષ સહાય મેળવવા માટેની અરજીઓ, ખેડૂતોના પ્રશ્નો, જમીન માપણી અને સીમ નિર્ધારણ, પાણીના વહેણની સમસ્યાઓ, સાર્વજનિક પ્લોટ ઉપરના ગેરકાયદેસર દબાણ, આવાસ યોજનાના પ્રશ્નો, બિનખેતીની મંજૂરી, ગૌચર જમીન અને વન વિભાગ સંબંધિત અરજીઓ સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ થયા હતા.

કલેકટરે દરેક પ્રશ્નને ગંભીરતાથી સાંભળીને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ અરજદારોને ઝડપી ન્યાય મળે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી.

આ કાર્યક્રમ બાદ કલેકટરે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં અગાઉ સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા તેમજ હાલ પેન્ડિંગ રહેલા પ્રશ્નોની વિગતવાર સમીક્ષા હાથ ધરાઈ હતી. બેઠક દરમિયાન ખાણ-ખનીજ સંબંધિત મુદ્દા, સિંચાઈની સમસ્યાઓ, જમીન માપણી અને ગામતળ-સીમતળના પ્રશ્નો, રસ્તાઓ ઉપરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાના પ્રશ્નો, સફાઈ કામગીરીમાં સુધારા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેસરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.


📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ