
જૂનાગઢ, તા. ૩૦ એપ્રિલ:
રાજ્યના યુવાનોમાં સાહસિકતા અને શિસ્તના ગુણો વિકસે એ હેતુથી રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના આયોજકત્વ હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે તા. ૨૨ થી ૨૮ એપ્રિલ-૨૦૨૪ દરમિયાન એડવેન્ચર કોર્સનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના ૯ જુદા જુદા જિલ્લાઓમાંથી કુલ ૫૧ ભાઈઓ અને બહેનો પર્વતારોહણની ખડક ચઢાણ જેવી સાહસિક તાલીમ માટે જોડાયા હતા.
આ કોર્સ અંતર્ગત યુવાઓને વિવિધ પ્રકારની ખડક ચઢાણની પદ્ધતિઓ, ઉતરવાની ટેકનિકો અને ટીમ વર્કનું જ્ઞાન આપાયું. તાલીમાર્થીઓએ પોતાના અનુભવ જણાવતાં જણાવ્યું કે, તેમને નવો અનુભવ મળ્યો અને મિત્રતા, સાહસ અને સંઘર્ષના અસલી મોરચા પર જીવતુ સંસ્કાર મળ્યું.
આ શિબિરના પૂર્ણાહુતી પ્રસંગે જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, પ્રદેશ ભાજપ મંત્રી જીગરભાઈ ભાવસાર અને ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડે હાજરી આપી હતી. તેમના હસ્તે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો આપી તેમનું ઉત્સાહવર્ધન કરાયું હતું.
ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી આવેલા ઉમંગ વેકરીયા (સુરત), સંજયકુમાર અસારીં (સાબરકાંઠા), જીયા દવે અને રવિ પરમાર (અહમદાબાદ) એ માનદ ઇન્સ્ટ્રક્ટરો તરીકે ફરજ બજાવી હતી. શિબિરના અંતે આભાર વિધિ ઉમંગ વેકરીયા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીયા દવે દ્વારા કરવામાં આવ્યું.
આ શિબિર એ સાબિત કરી બતાવ્યું કે આજના યુવાનોમાં જો યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે તો તેઓ સાહસ, શિસ્ત અને સમર્પણના ઉદ્દાહરણ બની શકે છે.
રિપોર્ટ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ