જૂનાગઢ,તા. ૧૯ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં જનજાગૃતી માટે “પોષણ પખવાડા” ની ઉજવણી કરવાનું નક્કી થઈ આવેલ છે. ચાલુ વર્ષે ૭ મા રાષ્ટ્રીય પોષણ પખવાડા–૨૦૨૫ ની ઉજવણી તા.૦૮/૦૪/૨૦૨૫ થી તા.૨૨/૦૪/૨૦૨૫ દરમિયાન કરવામાં આવનાર છે. જેમાં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર પ્રસાર, CMAM મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન, બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી, લગત થીમ આધારીત અલગ અલગ પ્રવૃતીઓ યોજી આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. તા.૦૮-૦૪-૨૦૨૫ના રોજ આઇ.સી.ડી.એસ શાખા મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા ૭માં રાષ્ટ્રીય પોષણ પખવાડા ની ઉજવણી થઈ રહી છે.
આ તકે પ્રોગ્રામ ઓફીસર ચેતન સોજીત્રા દ્વારા પોષણ પખવાડાની સૂચિત થીમ CMAM&EGF મોડ્યુલ દ્વારા કુપોષણનું વ્યવસ્થાપન પર આંગણવાડી કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં આ અંગે વિભાગ દ્વારા શરૂ કરાયેલ “પોષણ સંગમ” કાર્યક્રમની આંગણવાડી કાર્યકર બહેનોને વિગતવાર તેમજ રીફ્રેશર તાલીમ આપવામાં આવી છે. જેના થકી આંગણવાડી કાર્યકર બહેનો તેના કેન્દ્ર ખાતે નોંધાયેલ અતિ કુપોષિત બાળકોની પગલાત્મક રીતે સારવાર કરવામાં મદદરૂપ થશે.
તેમજ તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોના વાલીઓને પોષણ પખવાડાની કેન્દ્રિત થીમ બાળકોમાં સ્થૂળતાને દુર કરવા માટે સ્વસ્થ જીવનશૈલી અનુરુપ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતીઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કેન્દ્ર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ પ્રવૃતી હાથ ધરી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ