જૂનાગઢ શહેરમાં ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી કરતા એક ઇસમ ઝડપાયો, રૂ.૩૬,૮૪૦ નો મુદામાલ કબજે.

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. (SOG) જૂનાગઢના દળે બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરી છે.

મુકતાર અબુભાઇ કુરેશી નામના આ ઇસમે પોતાના રહેઠાણ અશોક નર્સરી બાગ સામે, ખાડીયા વિસ્તારમાં આવેલી દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો. બાતમી આધારે દુકાન પર દરોડો પાડતા કુલ 3.184 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેના વજન મુજબ કિંમત રૂ. 31,840 થાય છે. ઉપરાંત 5,000 રૂપિયાનો મોબાઇલ ફોન અને પ્લાસ્ટિક બેચકુ મળી, કુલ રૂ. 36,840 ના મુદ્દામાલની કબ્જા લઈ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી, તપાસ શરૂ કરવામાં આવી છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી.ગઢવી, પો.સબ ઇન્સ. એસ.એ.સોલંકી, એ.એસ.આઈ. જીતેન્દ્રસિંહ ચૌહાણ, પો.હેડકોન્સ. પ્રતાપભાઇ સહિતના અનેક અધિકારીઓએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે, યુવાનો નશીલા પદાર્થોથી દૂર રહે. ડ્રગ્સના સેવનથી ન ફક્ત વ્યક્તિ પોતે પરંતુ પરિવાર પણ બરબાદ થાય છે.