જેતપુરમાં એક શખ્સે લગ્નની લાલચ આપી ૩.૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ મહિલા સાથે કરી છેતરપિંડી.

જેતપુર

જેતપુર શહેરની એક મહિલાને પ્રશ્નાવડ ગામના શખ્સે લગ્નની લાલચ આપી પોતાને થોડો સમય પૈસાની જરૂરીયાત હોય તેમ જણાવી તેણીની પાસેથી સોનાના દાગીના સહિત કુલ ૩.૭૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ જઈ બાદમાં તે પરત ન કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

શહેરના બળદેવધાર વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન નાગવંશી નામની મહિલાના છૂટાછેડા થયેલ છે અને તેણીને સંતાનમાં બે પુત્રીઓ છે. તેણી ત્યકતા હોવાથી થોડા સમય પૂર્વે તેણીના પિતાના એક મિત્ર સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડ ગામનો ભરત જાદવ નામના શખ્સને તેણીના ઘરે લાવેલ અને રિદ્ધિબેનના પુનઃલગ્નની ઈચ્છા હોય તો આ ભરત સાથે કરાવી આપું અને બે પુત્રીઓને પણ સાચવી લેશે તેમ જણાવેલ. જેથી રિદ્ધિબેનને પણ પોતાની પુત્રીને પિતાની છત્રછાયા મળી જાય તે આશયથી તેણીએ પુનઃલગ્નની હા પાડી. એટલે ભરત જાદવ પણ તેણીના ઘરે અપ ટુ ડેટ થઈ મોટર કાર લઈને જવા લાગ્યો, અને મીઠી મીઠી વાતો કરી પોતે શ્રીમંત અને વેલસેટ હોવાનો વિશ્વાસ સંપાદન કરાવ્યો.

થોડા સમયબાદ રિદ્ધિબેનના ઘરે ભરત આવીને જણાવેલ કે, મને સરકારી આવાસ યોજનાનું મોટું કામ મળવાનું છે અને તે માટે મારે ટેન્ડર ભરવા માટે ત્રણ લાખ રૂપિયાની જરૂર છે. અમારી પાસે આવડી મોટી રકમ ન હોય તેમ રિદ્ધિબેને જણાવતા સોનાના દાગીના હશે તો તેને બેંકમાં ગીરવે મૂકીને પૈસા મેળવી લઈશ અને બીલ પાસ થઈ જશે એટલે તરત જ હું દાગીના છોડાવી દઈશ તેવું ભરતે જણાવતા, રિદ્ધિબેન પોતાના અને પુત્રીઓના ભવિષ્ય માટે પોતાના સોનાના દાગીના જેમાં સોનાનો સેટ, બુટી તેમજ ચેઇન કુલ ૨.૭૧ લાખનું સોનુ આપેલ. દાગીના આપ્યાના થોડા સમયમાં આ ભરત ફરી ઘરે આવીને રિદ્ધિબેનના પરીવારજનોની હાજરીમાં પોતાને કોન્ટ્રાકટનું કામ મળેલ તેમાં સિમેન્ટનો ટ્રક આવેલ છે તે માટે એક લાખની જરૂર હોવાનું જણાવતા રિદ્ધિબેને પોતાની ૫૦ હજારની બચત અને ૫૦ ,હજાર તેણીની માતાની પાસેથી લઈ એક લાખ રૂપિયા આપેલ. આ પૈસા આપ્યા બાદ ભરત ગયો તે ગયો ફરી પાછો આવ્યો જ નહીં અનેક ફોન કોલ કર્યા અને છેલ્લે તો ફોન ઉપડવાના જ બંધ કરી દેતા રિદ્ધિબેનને સમજાયું કે તેણી છેતરાઈ છે.

જેથી તેણી આજે પોતાના વિસ્તારના નગરપાલિકાના સદસ્ય સંજયભાઈ ભેડા કે જેઓની પાસેથી પણ ભરત ૪૮ હજાર રૂપિયા ઉછીના લઈ ગયેલ અને પરત ન આપેલ તેની સાથે પોલીસ સ્ટેશને આવી અને પોતાના સોનાના દાગીના સહિત કુલ ૩.૭૧ લાખના મુદ્દામાલ લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવી હતી.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)