જેતપુરમાં બે પુત્રીઓની સગાઈ માટેના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરો ચોરી ગયાઃ: CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ.

જેતપુર

જુનાગઢમાં દામોદરકુંડે પિતૃ તર્પણ માટે ગયેલા જેતપુરના બાવાજી પરિવારના બંધ મકાનમાં દોઢ કલાકની અંદર જ તસ્કરો ટોળકી ત્રાટકીને રોકડ, સોના ચાંદીના ઘરેણાં મળી રૂ.૧.૭૭ લાખના ઘરેણાં ચોરી કરી ગયા હતા. બે પુત્રીઓના સગાઈ માટે રાખેલા ઘરેણાં તસ્કરો ચોરી કરી નાશી છૂટતા પોલીસની ટીમે દોડી જઈને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે

બનાવ અંગે જેતપુરમાં નકલંક આશ્રમ પાસે આવેલ કેશરીનંદન સોસાયટીમાં રહેતાં રમેશગીરી શીવગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૬) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાદરવી અમાસનો દિવસ હોવાથી, જુનાગઢ જળ ચડાવની વિધી કરવા ગયેલ હતાં. બાદ ત્યાંથી બપોરે દોઢેક વાગ્યે જેતપુર પહોંચેલ હતાં.બાદમાં દંપતીને ગોંડલના વાસાવડ ગામે પિતૃ તર્પણ માટે જવાનું હોવાથી તેના દીકરા જેતપુરના સરદાર ચોક, પર ઉતારેલ અને તે લોકો ઘરે ગયેલ ત્યારે તેણે જોયુ તો, ઘરનું તાળુ ખુલ્લું હતુ અને ઘરમાં સામાન વેર-વિખેર પડેલ હતો.આથી પુત્રએ ફોન કરતાં તેઓ ઘરે ગયેલ અને જોયેલ તો ઘરમાં સામાન વેર-વિખેર પડેલ હતો.ઘરમાં તપાસ કરતા, રૂમમાં કબાટમાં તેમની નાની દીકરીની સગાઈમાં તેના સાસરીયા તરફથી આવેલ એક સોનાનો ચેઈન- પેન્ડલ, હાથનું બ્રેસલેટ નંગ-૧, વિંટી નંગ-૧, ચાંદીનું શ્રી યંત્ર, સિક્કો અને નાનું બિસ્કીટ મળેલ ન હતાં.તેમજ મોટી દીકરી પુનમની સગાઈમાં તેના સાસરીયા તરફથી મળેલ સોનું રૂમમાં સુટકેસમાં રાખેલ હતું. જેમાં એક સોનાનો સેટ, સોનાની વિંટી નંગ-૧, નાકની નથડી, ચાંદીના સાંકળા અને પાટલા મળી કુલ રૂ.૧.૬૫ લાખ તેમજ તથા ૪૦૦ ગ્રામ ચાંદી રૂ.૧૨ હજાર મળી કુલ રૂ.૧.૭૭ લાખનો મુદામાલ મળેલ ન હતો. બાદમાં મોટી પુત્રીને ફોન કરતાં તેને જણાવેલ કે, તે અગીયારેક વાગ્યે નોકરી પર ગઈ ત્યારે તાળુ મારી ચાવી, બુટ-ચપ્પલ મુકવાની જગ્યાએ મુકેલ હતી.જેથી કોઈ અજાણ્યાં તસ્કરો ઘરમાં ઘુસી રૂ.૧.૭૭ લાખના સોના-ચાંદીના દાગીના ચોરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)