ભરૂચ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામના મુસ્લિમ અગ્રણી સમદભાઇ શેખ (ઘડિયાળી)નું ગતરોજ તા.૧૭ મીના રોજ અવસાન થતા આજરોજ તેમના નિવાસસ્થાનેથી નીકળેલ તેમની અંતિમયાત્રામાં ઉમલ્લા તેમજ આસપાસના ગામોએથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. ઉમલ્લાના મુસ્લિમ અગ્રણી સમદભાઇ શેખની અંતિમયાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા ઉમલ્લા ગામે અભૂતપૂર્વ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. સંતાનમાં બે પુત્રો ધરાવતા સમદભાઇ શેખે તેમના મિલનસાર અને સેવાભાવી સ્વભાવથી સ્થાનિક તેમજ જ્ઞાતિના લોકોમાં પ્રચંડ લોકચાહના મેળવી હતી.
ઉમલ્લાના ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડયાએ મર્હુમ સમદભાઇ શેખને શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મોટાભાગનો સમય લોકસેવામાં વિતાવ્યો હતો. તેમણે ધાર્મિક બાબતોએ પણ સેવા આપી હતી. તેઓ ઉમલ્લા મસ્જિદ ટ્રસ્ટમાં તેમજ રાયસીંગપુરા સ્થિત દરગાહ શરીફની કામગીરીમાં પણ સેવા આપતા હતા. ચાહકોમાં બાપુના હુલામણા નામે જાણીતા સમદભાઇ શેખ વર્ષોથી ઘડિયાળી તરીકેનો વ્યવસાય કરતા હતા. બે દિવસ અગાઉ તબિયત બગડતા તેમને ભરૂચ દવાખાના ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં ગતરોજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. ટુંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં ઉમલ્લા દુ.વાઘપુરા ગામ શોકાતુર બન્યું હતું અને લોકોએ ભારે હ્રદયે તેમને વિદાય આપી હતી.
અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)