એ.સી.બી.ની ટીમે કરી સફળ ડીકોય કાર્યવાહી
સુરત, તા. ૩૦ મે, ૨૦૨૫
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારની ડી.જી.વી.સી.એલ. કચેરીમાં એક નાયબ ઈજનેર વર્ગ-૧ રૂ. ૧૦,૦૦૦/- ની લાંચ લેતા સુરત ગ્રામ્ય એ.સી.બી.ની ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કડોદરા-૨ પેટા વિભાગીય કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ ઈજનેર રવીશકુમાર છોટકુન રામ (ઉમ્ર: ૩૮ વર્ષ) દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન મંજૂર કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી તરફથી કડોદરા પાવર સબસ્ટેશન વિસ્તારમાં બે વીજ કનેક્શનોની અરજી કરવામાં આવી હતી અને દરેક કનેક્શનના મુલ્યે રૂ. ૫,૦૦૦/- કરીને કુલ રૂ. ૧૦,૦૦૦/- ની લાંચ માંગવામાં આવી હતી.
વિગતે મુજબ ફરિયાદી બનેલા જાગૃત નાગરિકે એ.સી.બી. સંપર્ક કરી ઓફિશિયલ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.ડી. ધોબી અને તેમની સુરત ગ્રામ્ય એ.સી.બી. ટીમ દ્વારા પ્લાનબદ્ધ રીતે ડીકોય ઓપરેશન અમલમાં મૂકવામાં આવ્યું.
આ ઓપરેશન અંતર્ગત આજના દિવસે તા. ૩૦ મે, ૨૦૨૫ના રોજ કડોદરા સબસ્ટેશન કંપાઉન્ડમાં આવેલી નાયબ ઈજનેરની ઓફિસમાંથી આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ રૂ. ૧૦,૦૦૦/- ઉપાડી લેવામાં આવી હતી. સમગ્ર રકમ સાક્ષીગણની હાજરીમાં પકડી પાડવામાં આવી હતી.
આ કામગીરી એ.સી.બી.ના મદદનીશ નિયામક શ્રી આર.આર. ચૌધરી તથા પો.ઈ. શ્રી એસ.ડી. ધોબીના સુપરવિઝન હેઠળ સફળતાપૂર્વક પાર પાડી હતી.
હાલમાં આક્ષેપિત વિરુદ્ધ લાંચપ્રથાની કલમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.