તરસાઈ ગામના રહેવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. રેલવે પ્રશાસને તરસાઈ સ્ટેશન પર હવે વધુ બે ટ્રેનોના સ્ટોપેજ મંજૂર કર્યા છે, જેને લઈ ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે.
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લીધેલા નિર્ણય અનુસાર, ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર દૈનિક ટ્રેન તથા ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન હવે 25 જુલાઈ, 2025થી તરસાઈ સ્ટેશન પર રોકાશે.
ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે, હવે તરસાઈથી મુસાફરોને પોરબંદર, રાજકોટ અને ભાવનગર જવા માટે સીધી અને સરળ સુવિધા મળશે.
ટ્રેનોના નવીન સ્ટોપેજના સમયગાળા આ મુજબ છે:
ટ્રેન નંબર 59560 (ભાવનગર-પોરબંદર) રાત્રે 21:01 કલાકે તરસાઈ સ્ટેશન પર પહોંચશે અને 21:02 કલાકે આગળ નીકળશે.
ટ્રેન નંબર 59557 (પોરબંદર-ભાવનગર) સવારે 07:49 કલાકે તરસાઈ સ્ટેશન પર આવશે અને 07:50 કલાકે આગળ ધપશે.
ટ્રેન નંબર 19571 (રાજકોટ-પોરબંદર) સવારે 10:52 કલાકે તરસાઈ સ્ટેશન પર રોકાશે અને 10:53 કલાકે ઉપડે.
ટ્રેન નંબર 19572 (પોરબંદર-રાજકોટ) બપોરે 14:55 કલાકે સ્ટેશન પર આવશે અને 14:56 કલાકે આગળ નીકળશે.
આ નવી સુવિધાથી તરસાઈ ગામ સહિત આસપાસના ગામોના લોકોમાં હર્ષ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. લોકોનાં વર્ષોથી ચાલતા આવતાં ડિમાન્ડ હવે પૂર્ણ થતાં, ગ્રામજનો દ્વારા ટ્રેનના ડ્રાઈવર તથા ગાર્ડનો મીઠાઈથી મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને રેલવે વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સ્થાનિક આગેવાનો અને રેલવે યાત્રીઓએ આ નિર્ણયને ખૂબ સરાહનીય ગણાવ્યો છે અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ અપાય તેવી આશા વ્યક્ત કરી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.