ગિર સોમનાથ: ગિર સોમનાથ જિલ્લામાં આવેલ ત્રિવેણી સંગમ ઘાટ પર આજે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઢળતી સાંજે હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર બોટિંગની ભવ્ય શરૂઆત કરાવી. આ અવસરે જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, તેમજ વિવિધ અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિવડાઓ વડે સંગમ આરતી અને સાગર અર્ધ્ય અર્પણ
આ પ્રસંગે, કલેક્ટર અને અન્ય મહાનુભાવોએ બોટમાં બેસીને પવિત્ર ત્રિવેણી સંગમ પર દિવડાઓ વડે આરતી ઉતારી અને સાગર અર્ધ્ય અર્પણ કર્યું. કલેક્ટર જાડેજાએ જણાવ્યું કે, જેમ રીતે બનારસમાં શ્રદ્ધાળુઓ બોટમાં બેસીને ગંગા આરતી કરે છે, તે જ રીતે ત્રિવેણી સંગમ પર પણ શ્રદ્ધાળુઓ બોટિંગનો આનંદ માણી શકશે અને આરતી કરી શકશે.
સલામતી અને નિયમોને અનુરૂપ બોટિંગ સેવા શરૂ
બોટિંગ શરૂ કરવા માટે તમામ જરૂરી લાઇસન્સ અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત બોટિંગની સુવિધા મળી રહે તે માટે કડક સલામતી ધોરણો અપનાવવામાં આવ્યા છે. આ નવીન પ્રસ્થાપન દ્વારા ત્રિવેણી ઘાટની આધ્યાત્મિક મહત્તાને વધુ વેગ મળશે અને શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.
અસ્થિ વિસર્જન અને રામેશ્વર મંદિર માટે સુવિધાઓ
કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, ત્રિવેણી સંગમ પર અસ્થિ વિસર્જન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે, જે માટે આ બોટિંગ સેવાથી વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત, સંગમના પાર હોય તેવા રામેશ્વર મંદિર જવા માટે પણ આ બોટિંગ સેવા શ્રદ્ધાળુઓ માટે ઉપયોગી સાબિત થશે.
ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ
આ અવસરે અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ત્રિવેણી સંગમ પર આ નવીન પ્રકલ્પની શરૂઆત થતાં, પર્યટન અને ધાર્મિક પ્રવૃત્તિઓને વધું પ્રોત્સાહન મળશે તે નક્કી છે.
અહેવાલ: દિપક જોશી, ગીર સોમનાથ