જૂનાગઢની જાણીતી શિક્ષણ સંસ્થા ડૉ. સુભાષ મહિલા કોલેજના પ્રાંગણમાં, આજે થેલેસેમિયા જેવી ગંભીર જનાનુગત બીમારી વિશે જાગૃતિ ફેલાવવા અને તેનું નિદાન સમયસર થાય તે હેતુથી, પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે વિશેષ થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. આ અભિયાન માત્ર એક આરોગ્ય તપાસણી કાર્યક્રમ ન રહીને એક ગંભીર સંદેશ લઈ આવતા સરાહનીય પગલાં રૂપે નોંધાયું છે.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના યુવા અને દૃઢનિશ્ચયી ટ્રસ્ટી શ્રી રાજ ચાવડાએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભકામનાઓ સાથે ખુલ્લો મૂક્યો હતો. તેમણે આ 50 વર્ષની સુવર્ણયાત્રાના અવસરે સંસ્થા તરફથી વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો થકી સમાજસેવાના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપતા કહ્યું હતું કે વિદ્યાર્થી માત્ર ગ્રેડ માટે નહીં, પણ સમાજ માટે જવાબદાર નાગરિક બનવા તાલીમ લઈ રહ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પ્રસંગે સંસ્થાના આચાર્ય શ્રી બલરામ ચાવડાએ પણ કાર્યક્રમના વિવિધ પાસાંઓ પર વાત કરતાં કહ્યું હતું કે આજના યુગમાં જ્યારથી લગ્ન જેવા નિર્ણયો લેવાતા હોય, ત્યારે માત્ર જાતિ અને કુંડળી જ નહીં પણ આરોગ્ય પર પણ સમજીને નિર્ણય લેવો જોઈએ. તેમણે થેલેસેમિયા જેવી બીમારીઓના વિશે જાગૃત રહેનાં મહત્વને ઉજાગર કરતાં કહ્યું કે “કુંડળી જોઈને લગ્ન કરતા પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવો વધુ લાભદાયક સાબિત થાય છે.”
થેલેસેમિયા બીમારી વિશે માહિતી આપતાં જણાવાયું હતું કે તેમાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે – થેલેસેમિયા માયનર અને થેલેસેમિયા મેજર. માયનર વ્યક્તિ સ્વસ્થ લાગે છે, પરંતુ જો બંને જીવનસાથી થેલેસેમિયા માયનર હોય તો બાળક થેલેસેમિયા મેજર લઈને જન્મે છે, જેને આખી જિંદગી લોહી ચડાવવાનું રહે છે અને તેનું આયુષ્ય પણ સંકુચિત રહે છે. એટલે લગ્ન પૂર્વે આવો ટેસ્ટ કરાવવો અત્યંત આવશ્યક છે.
આ સેવા કાર્ય સફળ બનાવવા શિવમ લેબોરેટરીના તજજ્ઞ ડો. તારક ચુડાસમા સહિત મનીષ વસવેલીયા, પ્રજ્ઞેશ મહેતા, અનુરાગ રવિયા, હિમાક્ષી મોરધરા અને ધ્રુવી બારડ જેવા આરોગ્યવિદોએ પોતાની સેવાઓ આપી હતી. સંસ્થાના આચાર્યશ્રીએ તેમને તથા સમગ્ર આરોગ્ય ટીમનો હાર્દિક આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતે ડૉ. કીકાણી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું જ્યારે સમાપન ડૉ. પ્રદ્યુમ્ન ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં સંસ્થાના તમામ અધ્યાપકો અને સ્ટાફે શ્રેષ્ઠ સહયોગ આપ્યો હતો.
આજના કાર્યક્રમના અંતે સંસ્થાના સ્થાપક પેથલજીભાઈ ચાવડાને યાદ કરીને સ્મરણાંજલિ ગાન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સત્યે કહીએ તો, શિક્ષણ સંસ્થાઓ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત રહી ન જવું જોઈએ, પરંતુ આવી સામાજિક જવાબદારીના કાર્યક્રમો થકી સમાજને પોઝિટિવ દિશામાં દોરી જવાની તેમની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બને છે – અને ડૉ. સુભાષ મહિલા કોલેજે એ ઉદાહરણ આપી બતાવ્યું છે.
વિગતવાર અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ