ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ દિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે.આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર આવવાની જરૂર નથી. આ કાર્ડ મેળવવા માટે એપમાં જરૂરી વિગતો સાથેનું આઈડી પ્રૂફ, મોબાઈલ સાથે લીંક થયેલું આધાર કાર્ડ, સિવિલ સર્જનનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રહેણાંકનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, હોસ્પિટલમાંથી જારી કરવામાં આવેલ રેલ્વે કન્સેશન સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, રેશનકાર્ડની નકલ અપલોડ કરાવવાની રહેશે.
ડીઆરએમ ઓફિસના અધિકારીઓ ફોર્મનું નિરીક્ષણ કરશે. દિવ્યાંગજન એપનો ઉપયોગ કરીને મોબાઈલ પર ઈ-દિવ્યાંગજન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.ટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે આ રાહતના સમાચાર છે. ભારતીય રેલ્વેએ દિવ્યાંગ લોકો માટે કન્સેશન કાર્ડ બનાવવા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે. જે દિવ્યાંગોને રાહતદરે પ્રમાણપત્રો મેળવવામાં મદદરૂપ સાબિત થશે. પોર્ટલની મદદથી, દિવ્યાંગ લોકો ઘરે બેસીને રાહત પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકશે. હવે તેઓને આ કામ માટે રેલવેની ડિવિઝનલ ઓફિસ આવવાની જરૂર નહીં પડે. દિવ્યાંગ વ્યક્તિઓએ સૌપ્રથમ રેલવેની વેબસાઇટ divyangjanid.indianrail.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, રેલ્વે રાહત ટિકિટનું પ્રમાણપત્ર ઓનલાઈન જારી કરશે. દિવ્યાંગો માટેની આ સુવિધા પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ઉપલબ્ધ છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે દિવ્યાંગ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે મેડિકલ કાર્ડની નકલ પણ અપલોડ કરવાની રહેશે. આ સિસ્ટમને સરળ બનાવવા માટે, દિવ્યાંગ લોકો ભારત સરકારના ઓનલાઈન પોર્ટલ www.swavlambancard.gov.in પર અરજી કરીને તેમનું મેડિકલ કાર્ડ પણ મેળવી શકે છે. અરજદારે તમામ દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત સોફ્ટ કોપી અપલોડ કરવાની રહેશે. કન્સેશન સર્ટિફિકેટ પર ઉલ્લેખિત ડૉક્ટરનું નામ, નોંધણી નંબર અને દિવ્યાંગતાની પ્રકૃતિ પણ લખવી જરૂરી રહેશે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે કન્સેશન કાર્ડની સુવિધા મેળવતા તમામ દિવ્યાંગોને જાણ કરી છે કે જેમનું કાર્ડ પહેલાથી જ બની ગયું છે તેઓએ અરજી કરવાની જરૂર નથી. ફક્ત તે જ દિવ્યાંગ લોકોએ અરજી કરવી કે જેઓ નવું કાર્ડ બનાવવા માંગે છે અથવા જેમના કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)