દેશભક્તિ અને સ્વદેશી થીમ પર રાજ્ય સરકારની અનોખી પહેલ – મંત્રી હર્ષ સંઘવી.

ગાંધીનગર તા. 21 ઓગસ્ટ – રાજ્યની સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા ‘શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫’ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ પ્રતિયોગિતા દ્વારા ગણેશ મહોત્સવને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનો ઉદ્દેશ્ય છે.

👉 આ સ્પર્ધા બે ખાસ થીમ પર આધારિત રહેશે :

  1. ‘ઓપરેશન સિંદૂર’ – દેશભક્તિ અને સૈનિકોના શૌર્ય પર આધારિત સુશોભન.

  2. વડાપ્રધાનશ્રીના ‘સ્વદેશી’ના આહ્વાન હેઠળ સ્વદેશી વસ્તુઓના ઉપયોગનું પ્રોત્સાહન.

📍 પુરસ્કારો :

  • ચાર મહાનગરો (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ) અને રાજ્યના બાકીના 29 જિલ્લાઓમાં શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે.

    • પ્રથમ ક્રમ – ₹૫,૦૦,૦૦૦

    • દ્વિતીય ક્રમ – ₹૩,૦૦,૦૦૦

    • તૃતીય ક્રમ – ₹૧,૫૦,૦૦૦

  • ઉપરાંત પાંચ પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને પ્રતિ ₹૧,૦૦,૦૦૦ એનાયત થશે.

  • કુલ મળીને ₹૫૨.૫૦ લાખના રોકડ પુરસ્કારો વિતરણ થશે.

📍 મૂલ્યાંકનના માપદંડ :

  • પંડાલનું સુશોભન અને સામાજિક સંદેશ,

  • ઈકો-ફ્રેન્ડલી પ્રતિમા,

  • થીમ આધારિત રજૂઆત,

  • સ્થળની સુવિધા અને જાહેર અવરજવર,

  • વહીવટી મંજૂરી તથા પંડાલ દ્વારા થતી લોકજાગૃતિ પ્રવૃત્તિઓ.

ચાર મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અને જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં મૂલ્યાંકન સમિતિ કાર્ય કરશે.

📍 ભાગ લેવા માટે :
આયોજકોને નિયત ફોર્મ જિલ્લા કક્ષાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી, નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરાવવું પડશે.

મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલ થવા જઈ રહી છે. આથી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળશે અને ‘ઓપરેશન સિંદૂર’ જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યનું મનોબળ મજબૂત બનશે.”


📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ