
દ્વારકા:
યુદ્ધ સંભવના વચ્ચે દ્વારકાધીશ મંદિર ખાતે સુરક્ષા અભ્યાસ અંતર્ગત મોકડ્રિલ યોજાઈ હતી. જેમા યુદ્ધ દરમિયાન વાયુ હુમલાનું સાયરન વાગતાં, સ્થળ પર હાજર દર્શનાર્થીઓ અને સ્થાનિક લોકો તરત જ સુરક્ષિત સ્થળે ખસે ગયા હતા. આ સમગ્ર કાર્યવાહી નાગરિક સુરક્ષા માટેની તૈયારીઓની પરીક્ષા તરીકે કરવામાં આવી હતી.
મોકડ્રિલ દરમિયાન એવી કલ્પના કરવામાં આવી કે, નજીકની સમાજવાડીમાં આગ લાગી, જેને પગલે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. બીજી તરફ, ધારી લેવામાં આવેલી પરિસ્થિતિ અનુસાર ઇજાગ્રસ્તોને નજીકના સારવાર કેન્દ્રોમાં ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી.
દ્વારકા ડેપ્યુટી કલેક્ટર મનોજ દેસાઈએ કહ્યું કે, “હાલ ભારતમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના વચ્ચે, નાગરિકોમાં સજાગતા અને જવાબદારી વધે તે હેતુથી સમગ્ર ડ્રિલ હાથ ધરવામાં આવી છે. આવા અભ્યાસો દ્વારા તંત્રની સજ્જતા પણ ચકાસી શકાય છે.”
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, ફાયર વિભાગ તથા આરોગ્ય વિભાગે મક્કમ સમન્વય સાથે કામગીરી કરી હતી.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા