ધરમપુર વનવિભાગમાં ‘વાડ જ ચિભળા ગળે’ જેવી સ્થિતિ: ભ્રષ્ટાચાર, લાકડાચોરી અને લાડકવાયા ડ્રાઈવરનો ભંડાફોડ!

ધરમપુર, તા. ૨૧ એપ્રિલ
એક તરફ સરકાર વનસંપત્તિ બચાવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયત્નશીલ છે ત્યારે ધરમપુર વનવિભાગમાંથી આવી રહેલા સમાચાર ચિંતાજનક સ્થિતિ તરફ ઈશારો કરે છે. થોડા દિવસ પહેલાં ધરમપુર રેન્જના વિસ્તારોમાં ખેરના ઝાડોનું બેફામ કટિંગ થયું હોવાનું સામે આવતા JK24 ન્યૂઝના પત્રકારોએ સ્થળની મુલાકાત લીધી હતી.

ત્યાંની ડુંગરી પર મોટા પાયે ઝાડો કાપવામાં આવ્યા હોવાનું અને ખૂટડા ધરાવતાં સ્થળો પર તાજું નિકંદન થયાનું સ્પષ્ટ દ્રશ્યો મળ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાકડાચોરી પાછળ વનવિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને લાકડા ચોરોની સંકીણ સાંઠગાંઠ છે.

ઓડિયો-વિડિયો ક્લિપથી ખુલ્યું ભેદ

તાજેતરમાં લાકડાચોરી સંબંધિત એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં એક વેપારી અને બીટગાર્ડ શ્રીરામ વાઘેલા વચ્ચે ખેરના લાકડાં માટે રૂપિયા આપવાની ચર્ચા થાય છે. આ ઓડિયોના આધારે લાખો રૂપિયાનું લેવડદેવડ થયાની આશંકા છે.

આ ઉપરાંત, આર.એફ.ઓ. હિરેન પટેલના હંગામી ડ્રાઈવર મહેશ શર્માની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે. જે ડ્રાઈવર રાત્રે ફરજ બજાવે છે, તે લાકડાચોરોની મોંઘી ગાડી લઈને કુંભ મેળામાં ફરતો હતો અને તેની લાકડાચોરો સાથેની ઊંડી નજીકતાનું ચિત્ર પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે.

વનવિભાગની રક્ષક કે ભક્ષક?

પ્રશ્ન એ છે કે જો વન વિભાગના જ અધિકારીઓ અને કર્મચારી લાકડાઓ વેચવાની ડીલમાં સામેલ હોય, તો સામાન્ય નાગરિક ફરિયાદ કોને કરે? લોકોમાં આ પ્રશ્ને ભારે રોષ છે અને વલસાડના વન વિભાગ પર પણ અવિશ્વાસ વધ્યો છે.

વિજિલન્સ તપાસ અને RFOની સંડોવણી

પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકોએ RFO હિરેન પટેલના કોલ ડિટેઈલ અને ડ્રાઈવર મહેશ શર્માની સાથેના સંબંધોની ઊંડાણપૂર્વક તપાસની માંગ ઉઠાવી છે. તેઓ કહે છે કે જો વિજિલન્સ તપાસ થાય તો ઘણાબધા લોકોએ જેલના દરવાજા જોવાના શક્યતાઓ છે.


📌 :વન અને પર્યાવરણ મંત્રીને ખુલ્લી અપીલ:
“ધરમપુરના બચેલા જંગલને બચાવો, ભ્રષ્ટ કર્મચારીઓના કોલ ડિટેઇલ, સંપત્તિ અને વ્યવહારોની CBI તપાસ કરાવવી જોઈએ.”

અહેવાલ : સુરેશ પરેરા ધરમપુર