નવસારીના રહીશો ત્રાહિમામ: રખડતા ઢોર અને શ્વાનોના ત્રાસના નિવારણ માટે NMC કનેક્ટ એપમાં નવા ફીચરની માંગ!!

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર અને કૂતરાઓનો ત્રાસ દિનપ્રતિદિન અસહ્ય બનતો જઈ રહ્યો છે. શહેરના માર્ગો પર અડિંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઈ છે, તો બીજી તરફ શેરીઓમાં રખડતા શ્વાનોના હુમલાથી નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા શહેરીજનોએ હવે સમસ્યાના ઉકેલ માટે ટેકનોલોજીનો સહારો લેવાની માંગ બુલંદ કરી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ‘NMC કનેક્ટ’ મોબાઈલ એપ્લિકેશનમાં રખડતા પશુઓની ફરિયાદ માટે એક ખાસ ફીચર ઉમેરવામાં આવે. જેથી ફરિયાદ કરતા ની સાથેજ તંત્ર દ્વારા ઢોરો, કૂતરાની સમસ્યા દૂર કરી શકાય!!

વર્ષો જૂની સમસ્યા, નિરાકરણ શૂન્ય

નવસારી માટે રખડતા ઢોરની સમસ્યા નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી શહેરીજનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ભૂતકાળમાં અનેક ગંભીર અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, તો કેટલાક કાયમી શારીરિક ખોડખાંપણનો ભોગ બન્યા છે. સ્થાનિક અખબારો અને ન્યૂઝ પોર્ટલો આવા બનાવોથી ઉભરાઈ રહ્યા છે. પાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાય છે, પરંતુ તે માત્ર નામ પૂરતી જ સાબિત થતી હોવાનો લોકોનો આરોપ છે. ઢોરવાડાના અભાવે પકડાયેલા પશુઓને ફરીથી છોડી મુકવામાં આવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

આવી જ વિકટ પરિસ્થિતિ રખડતા શ્વાનોને લઈને પણ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનોના કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તાજેતરના આંકડાઓ ભયાવહ ચિત્ર રજૂ કરે છે. નાગરિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા દ્વારા શ્વાન ખસીકરણ (સ્ટરીલાઈઝેશન) અને રસીકરણની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, જેના કારણે તેમની સંખ્યા અને આક્રમકતા બંનેમાં વધારો થયો છે.

‘NMC કનેક્ટ’ એપમાં નવા ફીચરની કેમ છે જરૂર?

નવસારી મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે ‘NMC કનેક્ટ’ નામની મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરી છે, જેના માધ્યમથી લોકો ગટર, પાણી, સફાઈ, અને સ્ટ્રીટલાઈટ જેવી સમસ્યાઓ અંગે ફરિયાદ નોંધાવી શકે છે. આ એપની સફળતાને જોતા હવે શહેરીજનો માંગ કરી રહ્યા છે કે આ જ પ્લેટફોર્મ પર રખડતા ઢોર અને શ્વાનોની ફરિયાદ નોંધાવવા માટે એક અલગ અને સરળ વિકલ્પ આપવામાં આવે.

લોકોનું માનવું છે કે જો એપમાં આવું ફીચર હશે તો તેઓ રીઅલ-ટાઇમમાં ફોટો અને લોકેશન સાથે ફરિયાદ નોંધાવી શકશે. આનાથી પાલિકાના સંબંધિત વિભાગને ત્વરિત કાર્યવાહી કરવામાં સરળતા રહેશે અને કયા વિસ્તારમાં સમસ્યા વધુ ગંભીર છે તેનો ડેટા પણ એકત્રિત થશે, જે ભવિષ્યના આયોજનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે…

લોકેશન નવસારી
અહેવાલ આરીફ શેખ