શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણના રક્ષણ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા “સિંદૂર વન” નામના વિશિષ્ટ વૃક્ષારોપણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ વનનું લોકાર્પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે થયું હતું.
કમેલા રોડ પર કરિશ્મા ગાર્ડન સામેની મહાનગરપાલિકાની ખાલી પડેલી જગ્યા પર ‘સિંદૂર વન’નું નિર્માણ મિયાવાકી પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. આ જાપાની ટેકનિક ઓછી જગ્યા અને ટૂંકા સમયમાં ગીચ વન ઊભું કરે છે અને તેનું મુખ્ય ઉદ્દેશ જૈવવિવિધતા વધારવાનું છે.
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ૨૫૦૦ વૃક્ષો અને ૫૦૦ ફૂલોના છોડ વાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને માત્ર અહીં સુધી મર્યાદિત રાખ્યા વગર સમગ્ર નવસારીમાં ૫૦૦૦ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.
લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં નાગરિકો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રમુખ પાટીલે પ્રસંગે જણાવ્યું હતું કે, “પર્યાવરણનું સંરક્ષણ આપણા સૌનું ફરજરૂપ છે. મિયાવાકી પદ્ધતિથી બનેલું ‘સિંદૂર વન’ નવસારી માટે એક પ્રેરણાદાયી મોડેલ બનશે.”
આ સ્થળ ભવિષ્યમાં નાગરિકો માટે શાંત અને કુદરતી વાતાવરણ ધરાવતું વિરામસ્થળ બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ: આરીફ શેખ(નવસારી)