નવસારી મહાનગરપાલિકા આયોજિત ચેસ ટુર્નામેન્ટમાં ૧૯૦ બાળક ખેલાડીઓનો જંગી ઉત્સાહ, લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રમાયું બુદ્ધિનું મહાસંગ્રામ.

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લુંસીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત ચેસ ટુર્નામેન્ટે ખેલ, બુદ્ધિ અને શિસ્તનો સુંદર સમન્વય સર્જ્યો.

આ ભવ્ય સ્પર્ધામાં ૧૧ થી ૧૬ વર્ષની વયજૂથના અંદાજે ૧૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યોજનાનો મુખ્ય હેતુ બાળકોમાં બૌદ્ધિક રમતો પ્રત્યે રુચિ જાગૃત કરવો અને તેમને મોબાઇલથી દૂર રાખી શારીરિક તથા માનસિક કૌશલ્યનો વિકાસ કરવો હતો.

આ સ્પર્ધાનું આયોજન મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ ચૌધરીની પ્રેરણાથી સંભવ બન્યું હતું. કમિશનરશ્રીએ પોતે હાજર રહી સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ચેસના વિવિધ રાઉન્ડ્સમાં ખેલાડીઓએ પોતાની તકનીક, એકાગ્રતા અને ઝડપથી બદલાતી રણનીતિઓથી પ્રતિસ્પર્ધાને પડકાર આપ્યો.

સ્પર્ધા દરમિયાન લુંસીકુઈ કોમ્પ્લેક્ષનું વાતાવરણ જુસ્સા અને સ્પર્ધાત્મક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. બાળક ખેલાડીઓ ઉપરાંત તેમનાં માતા-પિતા તથા ચેસ પ્રેમીઓની ભારે સંખ્યા ઉપસ્થિત રહી, જેમાંથી અનેક વાલીઓએ પણ મહાનગરપાલિકાના પ્રયાસની પ્રશંસા કરી.

ટુર્નામેન્ટના અંતે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે તમામ ભાગ લેનાર બાળકોને પણ પ્રમાણપત્ર અને પ્રોત્સાહન આપ્યું ગયું.

શહેરીજનો અને રમતગમત પ્રેમીઓએ મહાનગરપાલિકા તેમજ કમિશનરશ્રિનું આભાર માનતા કહ્યું કે, આવી સ્પર્ધાઓ નિયમિત યોજાય તો બાળકોના સર્વાંગી વિકાસ માટે નવી દિશા મળશે.


અહેવાલ: આરીફ શેખ (નવસારી)