નવસારી:
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના રોડ રસ્તાઓના નવિનીકરણ અને સુધારાના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. ચોમાસા પહેલા તમામ રસ્તાઓ નવા બને તે માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રહેવાસીઓને અનેક વર્ષોથી હાલતો બિસ્માર માર્ગોથી મુક્તિ મળશે અને માર્ગો વધુ સુસજ્જ, સુંદર અને સ્વચ્છ બની રહેશે.
ત્યારે, શહેરના અનેક વિસ્તારોમાં નવી માર્ગ વ્યવસ્થાનો વિકાસ થતો રહેતો પણ વોર્ડ નં. 4 – રંગુન નગર અને નવીનનગર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તા ના હોવાને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીઓ અને નારાજગી અનુભવી રહ્યા હતા. ખાસ કરીને રંગુન નગર વિસ્તારમાં તો છેલ્લા 15 વર્ષથી નવા રસ્તા બનાવાયા નહોતાં અને જર્જરિત રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ હતી કે ન માત્ર વાહનચાલન મુશ્કેલ બન્યું પરંતુ ડામરનું પેચવર્ક પણ કરવામાં આવ્યું ન હતું.
વોર્ડ નં. 4 ના પૂર્વ સહકારી સભ્ય અને આગેવાનોએ આ મુદ્દે મોટી ચળવળ શરૂ કરી. જેમા ખાસ કરીને પૂર્વ કોપરેટરો અને આગેવાનો જેમ કે આસીફભાઈ બરોડાવાલા, અક્ષ્વીન કહાર, ગીતાબેન પટેલ, નિશાર કુરૈશી, એડવોકેટ વીરેન્દ્ર કહાર, મુસ્લિમ આગેવાન રફીક ઈંટવાલા, રઈશ મુલ્લા, હનીફ મુલતાની, ફિરોજ પઠાણ, તેમજ સામાજિક કાર્યકરો અને અન્ય લોકપ્રિય આગેવાનો સામેલ રહ્યા.
આ આગેવાનો દ્વારા વારંવાર નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહાનગર ભાજપ પ્રમુખ વિજયભાઈ ભટ્ટ અને જિલ્લા કલેક્ટર સહિત મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત અને આવેદનપત્રો આપી માર્ગોની જરૂરિયાતની નોંધ લેવા માંગ કરી.
આ પ્રયાસો અને આગેવાનોની સક્રિયતાના કારણે હવે દસ્તુરવાડ, મુલતાની હોલ, રસીદ મુલ્લાની વાડી અને ખાસ કરીને રંગુન નગર અને નવીનનગરમાં નવા માર્ગ નિર્માણનું કામ શરૂ થયું છે.
આ પ્રસંગે વોર્ડ નં. 4 ના માજી સુધરાઇ સભ્યો અને આગેવાનો દ્વારા નારિયેળ ફોડી ‘ખાતમુહૂર્ત’ વિધિ પણ કરવામાં આવી અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ નવી માર્ગ વ્યવસ્થાથી સ્થાનિક લોકોમાં આનંદ અને સંતોષનો માહોલ ફેલાયો છે અને આગેવાનોનું આ માર્ગસફળતામાં યોગદાન લોકોએ વખણ્યું છે.