નવસારી: શાંતા દેવી રોડ પર ખુલ્લું ડ્રેનેજ જીવલેણ, સ્થાનિકો ભયભીત – વધુ એક બિલીમોરા જેવી દુર્ઘટનાની રાહે?

નવસારી શહેરના શાંતા દેવી રોડ પર ખુલ્લા ડ્રેનેજના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભય જોવા મળ્યો છે. શહેરના આ વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા અર્ધવટ છે અને અનેક જગ્યાએ ઢાંકણ વગરના ખાડાઓ ખુલ્લા પડ્યા છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.

તહેવારો અને વરસાદી સિઝનને પગલે રસ્તાઓ પર જનસંખ્યાનું જમાવડો વધે છે, ત્યારે આવા ખુલ્લા ડ્રેનેજ જીવ માટે જોખમરૂપ બની જાય છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, “જ્યારે બિલીમોરામાં દૂષિત ડ્રેનેજમાં પડી બાળકીઓના મૃત્યુ પછી હલનચલન થયું હતું, ત્યારે શું હવે પણ કોઈ દુર્ઘટના થઈ પછી જ પ્રશાસન ઊંઘ માંથી જાગશે ?

શાંતા દેવી રોડ નજીકના દુકાનદારો અને રહેવાસીઓએ ફરીવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે અને ખુલ્લા ડ્રેનેજ પર ઢાંકણ મુકવામાં આવે.

પગદંડીથી લઈને મુખ્ય માર્ગ સુધી ચાલી રહેલી આ અનિયમિતતા ન માત્ર વાહનચાલકો માટે ખતરો છે, પણ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે જીવલેણ બની શકે છે. સ્થાનિકોમાં ભય છે કે જો તંત્ર વેળા પર સજાગ નહીં બને તો અહીં પણ બિલીમોરા જેવી દુર્ઘટના ફરી ન બને તેની કોઈ ખાતરી નથી.

હવે જોવાનું એ છે કે, સ્થાનિક પ્રશાસન કેટલા સમયમાં જાગે છે અને લોકોના આ ચિંતા પત્રોને ગંભીરતાથી લે છે કે નહીં!