ભારત દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ, જેને કિસાન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશની પ્રગતિના અભિન્ન અંગ એવા ખેડૂતોનું સન્માન કરવા માટે ઉજવે છે. આ દિવસને ભારતના પાંચમા વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના જીવન અને સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે, જેમની ખેડૂતોના અધિકારો માટેની ભલામણના કારણે તેમના જન્મદિવસને ખેડૂતોને સમર્પિત દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.આચાર્યશ્રી, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ નાં માર્ગદર્શન મુજબ પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભૂતવડ દ્વારા ‘ખેડૂત દિવસ’ ની ઉજવણી પ્રસંગે, આજ રોજ ગામ. ભુતવડ તા. ધોરાજી જિ. રાજકોટ માં પશુપાલકો સાથે જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુતવડ ગામના પશુપાલકોને દુધાળ પશુઓનાં આહારમાં ક્ષાર મિશ્રણ (મિનરલ મિક્સચર) ની જરૂરિયાત તેમજ દૂધ ઉત્પાદનમાં ક્ષાર મિશ્રણનું કેટલું મહત્વ છે આ બાબત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ નાં પશુધન ઉત્પાદન વ્યવસ્થાપન વિભાગના પ્રાધ્યાપક અને વડા તથા ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. મહેશભાઈ ગડરિયા દ્વારા વૈજ્ઞાનિક માહિતી ખેડૂતોને જૂથ ચર્ચામાં આપવામાં આવી અને તેમના વરદ હસ્તે ઉપસ્થિત ખેડૂતોને પશુઓના આહાર માટે ક્ષાર મિશ્રણ (મિનરલ મિક્સચર) નાં પેકેટનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉજવણી કાર્યક્રમના આયોજનમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ નાં નોડલ ઓફિસર- ડો. સુરેન્દ્ર સાવરકર દ્વારા ખેડૂત દિવસની ઉજવણી બાબત ખેડૂતોને શરૂઆતમાં માહિતી આપી અને છેલ્લે આભારવિધિ કરવામાં આવી હતી. કોલેજના વિસ્તરણ વિભાગના શ્રી અંકુર દેસાઈ, પશુધન નિરીક્ષક, દ્વારા આયોજનમાં વિશેષ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભુતવડ ગામના સરપંચ, ખેડૂતો, યુવાઓ જોડાયા હતા. તેમ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ દ્વારા યાદીમાં જણાવાયુ હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)