પાલીતાણા તાલુકાના વડિયા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ચાર લોકોનું સફળ રેસ્કયુ.

પાલીતાણા તાલુકાના વડિયા ગામે ભારે વરસાદને કારણે ચાર લોકો વરસાદના પાણીમાં ફસાઈ જવાના બનાવે તંત્રને સતર્ક બનાવ્યું. વડીયા ગામના નાના ખારો વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતા ચાર વ્યક્તિઓ પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ તલાટી કમ મંત્રીશ્રી વડીયા દ્વારા વહીવટી તંત્રને કરવામાં આવી.

તાત્કાલિક પ્રતિક્રિયા આપતા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને નગરપાલિકા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ તરવૈયાઓની મદદથી રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી. સ્થાનિક સરપંચ તથા ગામ આગેવાનોની સક્રિય ભૂમિકા સાથે તમામ ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

વરસાદી પાણીના જથ્થાને કારણે રેસ્કયુ દરમિયાન મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ તંત્ર અને ગામજનોની એકતાના કારણે કોઈ જાનહાની થવા પામી નહોતી. ઘટનાથી ગ્રામજનોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સફળ રેસ્કયુ કામગીરી બાદ રાહતનો શ્વાસ લેવાયો હતો.

➡️ ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી પાલીતાણા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે તથા જરૂર પડે ત્યાં ત્વરિત મદદ પહોંચાડવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે.


🖊️ અહેવાલ : સતાર મેતર, સિહોર