જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રવિ ઠેસીયાના અધ્યક્ષ સ્થાને જોષીપરા પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ યોજના કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત શાળાના બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના અંદાજિત ૨૫૬ બાળકોને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ મેનુ મુજબ સુખડી પીરસી “મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના”નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશ ડોડીયા, જિલ્લા નાયબ મામલતદારશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ પી.એમ. પોષણ યોજનાની ટીમ તથા જોષીપરા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા. શ્રી એમ.ટી. ડોડીયા દ્વારા શાળાના બાળકોને મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજનાનું મહત્વ સમજાવી પોષ્ટિક આહારની સમજ આપી હતી.
આ યોજનાનું જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાની કુલ ૭૧૪ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધો.-૮ સુધીના કુલ ૭૯,૩૧૨ વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા કેલરી પ્રોટીન યુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવેલ. જે અન્વયે તાલુકાના મામલતદારશ્રી તમામ, નાયબ મામલતદારશ્રી તમામ, સુપરવાઇઝરશ્રી દ્વારા પી.એમ. પોષણ યોજનાના કેન્દ્રોની મુલાકાત લઈ ઉપરોક્ત યોજનાનો જિલ્લાના તમામ કેન્દ્રો ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)