પી પી સવાણી ગ્રુપ આયોજિત સમૂહલગ્નમાં મહેંદી રસમ કાર્યક્રમમાં દિકરીઓને આશીર્વાદ આપવા મહિલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આગામી શનિવાર અને રવિવાર તારીખ ૧૪ અને ૧૫ ડિસેમ્બરે પીપી સવાણી પરિવાર આયોજિત પિયરીયું લગ્નોત્સવ અંતર્ગત આજે ગુરુવારની સવારે ફૂલગુલાબી ઠંડી વચ્ચે મહેંદી રસમનો કાર્યક્રમ સુરતને છેવાડે આવેલા અબ્રામા ગામમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલમાં યોજાયો હતો. ફૂલગુલાબી ઠંડી વચ્ચે મહેંદી રસમના રૂડા ગીતો ગુજરાતની ક્યાતનામ ગાયિકાઓના કંઠે રેલાઈ રહ્યા હતા. મહેંદીથી મઘમઘતા માહોલમાં મહેંદી મૂકી રહેલી અને મુકાવી રહેલી દીકરીઓનાં ચહેરા પર મીઠી મધુરી મુસ્કાન લહેરાય રહી હતી. લગ્ન કરનારી ૧૧૧ દીકરીની સાથે જ એમની બહેન, માતા અને અગાઉ પરણેલી પીપી સવાણી પરિવારની દીકરીઓ મળી લગભગ ૫૩૦૦થી વધુ હાથોમાં આજે મહેંદી મુકાઇ હતી.

પ્રભુ પ્રાર્થના સાથે શરૂ થયેલા કાર્યક્રમમાં મહેદી કલાકારની સાથે લગભગ દરેક દીકરીના હાથમાં ખુદ મહેશભાઈ પોતે પણ મહેંદી મૂકી હતી. લગ્નોત્સવમાં લગ્ન કરનાર ૧૧૧ દીકરીના પાલક પિતા મહેશભાઈ સવાણીએ કલાકો બેસીને લગભગ બધી દીકરીઓના હાથમાં મહેંદી મૂકી હતી. આ અવસરે નેહાબેન દ્વારા ગવાયેલું પિયરિયું યાદ મને બહુ આવશે ગીત લોન્ચ કરાયું હતું. આજના શુભ અવસરે સુરત જિલ્લાના DDO શિવાનીબેન ગોયલ, સુરત શહેર પોલીસના DCP હેતલબેન પટેલ, અમીતાબેન વાનાણી, ભક્તિબેન ઠાકર ખાસ હાજર રહીને દીકરીઓને આશ્રિવાદ પાઠવ્યા હતા. ખુશીબેન પટેલ- મહેંદી આર્ટિસ્ટ -અમદાવાદ , અવનીબેન ઢોલરિયા – રાજારાણી ફેશન – સુરત, ચૈતાલીબેન બી. ખૂંટ -મહેંદી આર્ટિસ્ટ – સુરત, શકું વિશાખાબેન વાડદોરીયા – મહેંદી આર્ટિસ્ટ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.