જૂનાગઢતા.20/4/2025 રવિવારના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ વિદ્યામંદિર દ્વારા એક ભવ્ય વાલી સંમેલનનું આયોજન થયું હતું જેમાં બી.એ.પી.એસ સંસ્થાના સુવિખ્યાત વિદ્વાન વક્તા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રેરક વ્યાખ્યાન દ્વારા બી.એ.પી.એસ વિદ્યામંદિરના તેમજ સમગ્ર શહેરમાંથી પધારનાર વાલીઓને તેમના સંતાન સંસ્કાર અંગે પ્રેર્યા હતા અને જાગૃત કર્યા હતા.
બી.એ.પી.એસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર દ્વારા આયોજિત આ વ્યાખ્યાનમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે વાલી અને સંતાનો વચ્ચે જનરેશન ગેપ વધતી જાય છે, સંતાનો વાલીઓને ધિક્કારતા થઈ ગયા છે, ઉપેક્ષા કરતા થઈ ગયા છે ત્યારે આપણે વાલીઓએ તેને દુર્યોધન બનાવીને ધૃતરાષ્ટ્ર સાબિત થવું છે કે શિવાજી જેવા પ્રખર ધર્મયોદ્ધા અને ચારિત્ર્યવાન હિન્દુ બનાવીને જીજીબાઈ સાબિત થવું છે તે આપણા હાથમાં છે.
અર્કરૂપે તેમણે જણાવ્યું હતું કે આદર્શ સંતાન માટે વાલીઓએ માત્ર શિક્ષણ જ નહીં પણ સાથે તેમને જરૂરી સમય , સંગાથ, સ્નેહ, સદ્દવાંચન, સંસ્કાર, સત્સંગ, આપવા અનિવાર્ય છે.
આજે સવારે પણ જૂનાગઢ BAPS સ્વામિનારાયણ મંદિર ,બાળ બાલિકા મંડળને સંસ્થાના ગુરુવર્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત “સત્સંગ દીક્ષા”ના ૩૧૫ શ્લોકના મુખપાઠ અભિયાન અંગે સુંદર વક્તવ્ય દ્વારા પ્રેરણા આપી હતી તેમજ સ્વામીજીએ શનિવારે રાત્રે જૂનાગઢ યુવા સત્સંગ સમાજને પણ “PERMENANT PERSONALITY” વિષયક પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ