પોશીના તાલુકામાં ગુહાઇ નહેર પેટા વિભાગ દ્વારા ત્રણ માસ પહેલા બનાવેલ ચેકડેમનો એપ્રોચ તૂટી ગયો, તપાસની ઊઠી માંગ, જવાબદાર કોણ ??

સાબરકાંઠા

રાજ્ય સરકાર જળ સંચયના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે જેમાં.તળાવો, ચેકડેમના નિર્માણ તેમજ ડેમેજ થયેલ ચેકડેમોના રીનોવેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આપવામાં આવતી આ કરોડો રૂપિયાની ગ્રાન્ટો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા નબળા બાંધકામની સામે નિયમ મુજબના કામો ન કરી લાખો રૂપિયાની કટકી કરતા હોય છે. જે અનુસંધાને પોશીના તાલુકામાં રાજ્ય સરકારના ગુહાઇ નહેર પેટા વિભાગ દ્વારા કરવામાં આવેલ કરોડોના ચેકડેમના કામમાં કટકી આચરવામાં આવતા તેમજ ચેકડેમનું કામ નિયમ મુજબ કરવામાં ન આવતા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોવાનું લાગી રહ્યું છે. આ કામમાં જવાબદાર અધિકારી, ચેકડેમનું કામ કરતી એંજન્સી તથા કોન્ટ્રાક્ટરની મિલી ભગતને લઈને નિયમ મુજબનું કામ ન થતાં તેમજ બનાવેલ ચેકડેમની ઊંડાઈ અને પહોળાઈ એસ્ટીમેન્ટ પ્રમાણે કરવામાં ન આવતા કરોડો રૂપિયાના ખર્ચે પોશીના તાલુકાના કાલીકાંકર ગામે બે થી ત્રણ માસ અગાઉ બનાવેલ નવીન ચેકડેમનો એપ્રોચ ઊંડાઈ કર્યા વગર પત્થર પર જ બનાવી દેતા એપ્રોચ તૂટીને બહાર આવી ગયો છે અને કથિત ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી કરી રહ્યો છે અને જવાબદાર અધિકારી, એજન્સી અને કોન્ટ્રાકટર સામે ખાતાકીય તપાસ કરવા લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આ ગામે બનાવેલ નવીન ચેકડેમનો એક જ વરસાદમાં એપ્રોચ તૂટીને બહાર આવી જતા તેની ગુણવત્તા સામે, જવાબદાર અધિકારી, એજન્સી અને કોન્ટ્રાકટર સામે સવાલો ઉઠવા પામ્યા છે. રૂપિયા ત્રણ કરોડના ખર્ચે બનાવેલ આ ચેકડેમ ના બાંધકામનું એંસી ટકા જેટલું બિલ કોન્ટ્રાકટરને ચૂકવી દેવામાં આવતા ગુહાઇ નહેર પેટા વિભાગ ના એસ.ઓ, ડી.ઇ. સમેત જવાબદાર અધિકારીઓ સામે પણ બિલની ચુકવણી બાબતે સવાલો પેદા થઈ રહ્યા છે. આ અંગે વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા લોક માંગ ઉઠવા પામી છે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)