પ્રાકૃતિક પદ્ધતિથી પપૈયાનું ઉત્પાદન: ખેડૂતો માટે નફાકારક માર્ગ.

જૂનાગઢ, તા. ૩ જુલાઈ: દેશભરમાં પપૈયા તેલથી ભરપૂર અને પૌષ્ટિક ફળ તરીકે ઓળખાય છે. કેરી પછી સૌથી વધુ માંગ ધરાવતો પાક પપૈયા છે, જે આખું વર્ષ ફળ આપે છે. હવે ખેડૂતોએ રાસાયણિક ખેતીથી દૂર જઈ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું શરૂ કર્યું છે. આ કક્ષાએ પ્રાકૃતિક પદ્ધતિથી પપૈયાનું વાવેતર કેવી રીતે કરવું, એ જાણવું અગત્યનું બની રહ્યું છે.

પપૈયાનું વાવેતર બીજથી થાય છે, અને બીજનું અંકુરણ ક્યારથી થાય છે, કઈ જાતો વધુ સારી છે, કેટલું અંતર રાખવું, નર અને માદા છોડ વચ્ચે શું તફાવત છે — આ બધું જાણીને ખેડૂત વધુ ઉત્પાદન મેળવી શકે છે.

ખેતરમાં પપૈયા સાથે સહજીવી પાક તરીકે તુવેર, મરચાં, ટામેટાં, ડુંગળી અને વેલાવાળી શાકભાજીનું વાવેતર પણ ફાયદાકારક બને છે. જીવામૃત, છાસ, નાળિયેરનું પાણી અને પ્રાકૃતિક દવાઓથી છોડની વૃદ્ધિ વધુ સ્ફૂર્તિસભર થાય છે અને રોગપ્રતિકારકતા વધે છે.

વાવણીનો શ્રેષ્ઠ સમય જૂન-જુલાઈ, સપ્ટેમ્બર-ઓક્ટોબર અને જાન્યુઆરી-ફેબ્રુઆરી ગણાય છે. પપૈયાના પાકને અસરકારક રીતે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ખાટી છાસ જેવી દેશી રીતોથી સુરક્ષિત રાખી શકાય છે.

ખેતીને વધુ કુદરતી અને ટકાઉ બનાવવાના દિશામાં આ પ્રાકૃતિક પદ્ધતિ એક મજબૂત પગલુ છે, જે ખેડૂતોને વધુ નફો આપવાનું વચન આપે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ