પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યાની શિહોર નગરપાલિકા મુલાકાત, વિકાસ કાર્યોની ઊંડી સમીક્ષા.

શિહોર શહેરમાં નગરપાલિકાના વિકાસકાર્યો અને શહેર સુવિધાઓની જમતી ચકાસણી માટે આજે નવનિયુક્ત પ્રાદેશિક કમિશનર ધવલ કે. પંડયા દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન તેમણે નગરપાલિકાના વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરી અને વોર્ડ નં. 1, 2, 3 તથા 4માં ચોમાસાના પગલે ઉભી થયેલી સમસ્યાઓ, જેમ કે રસ્તા, ભૂવો અને નિકાલની સ્થિતિ વિશે જાતે જ સ્થળ પર પહોંચી સ્થિતી નિહાળી.

અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે ઓડિટોરિયમના સૂચિત સ્થળ, રેલવે ઓવરબ્રિજ, સફાઈ વ્યવસ્થા, સિવેજ ટ્રીટમેન્ટ, વોટર પ્લાન્ટ, ડમ્પ સાઇટ, ટેક્સ ઉઘરાણી, ડોર ટુ ડોર કચરો કલેક્શન અને રખડતા ઢોર મુદ્દે વિધિવત સમીક્ષા કરી. તેઓએ જણાવ્યું કે, નગરપાલિકાઓ માત્ર ફાઇલ પર નહીં, જમીન પર દેખાતા પરિણામ આપે તે જરૂર છે.

પ્રાદેશિક કમિશનરે નગરપાલિકા અને જીયુડીસી દ્વારા કરવામાં આવેલા કામોના સ્તર અને ઝડપ અંગે સ્પષ્ટ સૂચનો આપ્યા હતા અને આગામી દિવસોમાં કામોની પ્રક્રિયા વધુ અસરકારક બનાવવાના પરામર્શ આપ્યા હતા.

અહેવાલ : સતાર મેતર, શિહોર