બનાસકાંઠાના ડાંગીયા ગામ ખાતે અનોખી પહેલ જોવા મળી. ૮૧ મેડિકલ છાત્રોએ ૪૦૫ પરીવારોને લીધા દત્તક, પાંચ વર્ષ સુધી ઘરઆંગણે જ તબીબી સેવા આપશે.

બનાસકાંઠા

દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામ ખાતે આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની અનેરી પહેલ થકી તબીબી વિદ્યાર્થી પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા ૪૦૫ પરિવારોના ૩૦૦૦ જેટલા સભ્યોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડશે.નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકા અનુસાર કોમ્યુનિટી મેડીસીન ડિપાર્ટમેન્ટ, અને બનાસ મેડિકલ કોલેજ, મોરિયા દ્વારા ડાંગીયા તેમજ ઉત્તમપુરા ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ પાંચ પરિવારોને દત્તક લઇ તેઓને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે.

માર્ગદર્શિકા અનુસાર દરેક તબીબી વિદ્યાર્થી પોતાના સમગ્ર તબીબી અભ્યાસક્રમ દરમિયાન એટલે કે લગભગ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જેવી કે, પાણીજન્ય રોગો અને ખોરાક જન્ય રોગોથી કેવી રીતે બચવું, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું, વ્યક્તિગત, પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી, તાવ, શરદી, ઉધરસ, ઝાડા જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરશે તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા, બાળકના રસીકરણ વિશે માહિતી આપવી, સંસ્થાકીય સુવાવડ માટે સગર્ભા માતાઓને પ્રોત્સાહિત કરવા, ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રિનિંગ કરવું અને જો ઘરમાં કોઈ ગંભીર બીમારીવાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા વગેરે જેવી સેવાઓ પૂરી પાડશે.આમ, બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના ઘર ઘર સુધી પહોચાડવાનું વિશેષ આયોજન હાથ ધરી એક નવતર પહેલ આરંભી છે.

બનાસ મેડિકલ કોલેજ મોરિયાના આ વિદ્યાર્થીઓની પહેલ અન્ય માટે પ્રેરણાદાયી

બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શક હેઠળ તેમજ એન.એમ.સીના નોન પ્રમાણે ડાંગીયા તેમજ ઉત્તમપૂરા ગામ ખાતે કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ફેમિલીને દત્તક લીધા છે જેમાં એમ.બી.બી.એસના સ્ટુડન્ટો ડાયાબિટીસ, બીપી, હિમોગ્લોબીન જેવા વિવિધ પ્રકારના ટેસ્ટ કરશે આ માનવ કલ્યાણ લક્ષી કામ મેડિકલ કોલેજ દ્વારા અને અમારા કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ડોક્ટરોની આગેવાનીમાં સરસ કામ થઈ રહ્યું છે તેનો મને આનંદ છે.

અહેવાલ:- અયુબ પરમાર (બનાસકાંઠા)