બનાસકાંઠા
વિકાસશીલ ગુજરાતની વરવી વાસ્તવિક્તા,ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત કેવી રીતે ? શિક્ષક ની ઘટ ,રૂમ ની ઘટ ,રસ્તો નહિ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જતા બાળકો ,મંત્રીશ્રીઓ ક્યારેક આવા શાળાઓની મુલાકાત લો ,બાળકો રૂમમાં ઘેટાં બકરાની જેમ બેસી ભણી રહ્યા છે.મધ્યાન ભોજનમાં રોજ ખીચડી અને ભાત અપાય છે
ડેપ્યુટી સરપંચે જણાવ્યું કે ચોમાસાની ઋતુમાં અમારા ગામમાં એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ ગાડી આવી શકતી નથી, જેના કારણે ભૂતકાળમાં કેટલીક ગર્ભવતી મહિલાઓના મોત પણ થયેલા છે. તારંગડા પ્રાથમિક શાળાના આચાર્યનો પત્ર પણ શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ ઊભા કરે છે.
ગુજરાત સમગ્ર દેશમાં વિકાસશીલ રાજ્યની ઓળખ ધરાવે છે.ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં 8 ઓગસ્ટે વિદેશ ગયેલા શિક્ષિકાનો મામલો સામે આવતા ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ઊંઘમાંથી જાગીને આવા ભૂતિયા શિક્ષકો પર નોટીશ આપીને પગલાં ભર્યા છે, ત્યારે હવે આજ દાંતા તાલુકામાં નવો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદમાં હવે શાળામા શિક્ષકની ઘટને લઈને વાલીઓ સ્કૂલમાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે,જેમાં દાંતા તાલુકાના તારંગડા સરકારી શાળામાં છેલ્લા કેટલાય વર્ષથી ગુજરાતી શાળાના શિક્ષક આવતા નથી અને તેમનું નામ તો બોલે છે તારંગડા પ્રાથમિક શાળામાં પણ આ શિક્ષક બામણોજ સેન્ટરની બાજરવાડા શાળા ખાતે ફરજ બજાવે છે. આ બાબતને લઈને વાલીઓ શાળા ખાતે એકઠા થયા હતા અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને નારા લગાવ્યા હતા.તારંગડા ગામના ડેપ્યુટી સરપંચ લક્ષ્મણભાઈ બેગડીયાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવતી નથી જેના કારણે અગાઉ કેટલીક મહિલાઓના ડીલેવરી સમયે મોત પણ થયેલા છે. અમે રજૂઆત કરવા છતાં પણ અમારા ગામની સમસ્યા દૂર થતી નથી.
દાંતા તાલુકાનું શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે, જેમાં શાળાના આચાર્ય આર.સી. સોલંકી દ્વારા તારીખ 22 /2/2024 ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાંતા ને સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે,જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મારી શાળાના શિક્ષકની બદલી અન્ય જગ્યાએ કરવામાં આવી છે, તે નિયમ વિરુદ્ધ છે. આ બાબતે તપાસ કરીને સત્વરે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવે, પણ હજુ સુધી આટલો સમય વિતવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. આચાર્ય દ્વારા શાળામાં ઓરડાની ઘટને લઈને પણ ઊપર રજૂઆત કરવામાં આવી છે, પણ હજુ સુધી નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી.તારંગડા પ્રાથમિક શાળા 1955 થી બનેલી છે. આ શાળામાં માત્ર બે રૂમ હોઈ કેટલાક બાળકો ઓસરીમા ભણી રહ્યા છે, કેટલાક બાળકો રૂમમાં ઘેટા બકરાની જેમ બેસીને ભણી રહ્યા છે. એક અન્ય રૂમ છે તેમાં પાણી પડે છે જેને હાલ જોખમ હોઈ બંધ રાખવામાં આવ્યો છે. ગામના વાલીઓ આરોપ લગાવ્યો હતો કે બાળકોને રોજેરોજ ખીચડી અને ભાત આપવામાં આવે છે. મેનુ પ્રમાણે અલગ- અલગ વસ્તુ ખવડાવવામાં આવતી નથી. અન્ય શાળામાં દૂધ સંજીવની યોજનાનું દૂધ આવે છે પણ આ શાળામાં આવતું નથી. ચોમાસાની ઋતુમાં શાળામાં જવાનો રસ્તો બાળકોને જીવના જોખમે પસાર કરવો પડે છે, અગાઉ શાળાએ જતા નદીમાં પાણી વધારે આવતા બે બાળકોના મોત પણ થયા હતા. એટલે સવારે શાળા શરૂ થાય ત્યારે અને શાળા છૂટે ત્યારે બાળકોને વાલીઓ લેવા મૂકવા આવે છે.આઝાદીના આટલા સમય બાદ પણ આ જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો નથી,નેતાઓ ચૂંટણી સમયે આ વિસ્તારમાં ફરકે છે, ત્યારબાદ ફરકતા નથી. અધિકારીઓ અને મંત્રીઓ પણ આ વિસ્તારની મુલાકાત લે તો ગુજરાતના શિક્ષણ વિભાગની પોલ ખુલી જાય.
તેમને જણાવ્યું હતું કે આ બાબતે અમે ઘણી વખત રજૂઆત કરેલ છે પણ હજુ સુધી અમારો નિકાલ આવતો નથી. ભાજપ સરકાર પણ અમારી સમસ્યા સાંભળતી નથી અને દૂર કરતી નથી.ચોમાસાની ઋતુમાં ગામનો સંપર્ક તૂટી જાય છે, ગામમાં 3 હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે. અગાઉ ડીલેવરી સમયે સમયસર ગાડી અમારા ગામમાં ન આવતા કેટલીક મહિલાઓના પણ મોત થયેલા છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)