વિશ્વ સિંહ દિવસ-૨૦૨૫ના અવસરે ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓની સરહદે આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય એ એશિયાટિક સિંહના સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પૂરું પાડતું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું આ વિસ્તાર, ભૂતકાળમાં પોરબંદર અને જામનગરના રાજવંશોનું શિકાર સ્થળ હતું, પરંતુ આજે અહીં કુદરતી વસવાટ અને વૈજ્ઞાનિક સંરક્ષણનું ઉત્તમ સંયોજન જોવા મળે છે.
ગુજરાતના સિંહોના સંખ્યાબળમાં છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર વધારો થયો છે — ૨૦૦૧માં ૩૨૭થી વધીને ૨૦૨૫માં ૮૯૧ સુધી. આ સફળતાનું શ્રેય રાજ્ય અને કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને તેમજ વન વિભાગના વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત સંરક્ષણ કાર્યક્રમોને જાય છે.
બરડા અભયારણ્ય ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ઋતુગત નદીઓ, પાનખર જંગલો, વાંસના ઝાડ, ઐતિહાસિક સ્થળો તેમજ ૬૫૦થી વધુ વનસ્પતિની જાતિઓ છે. અહીં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ અને ૨૬૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ સાથે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના પ્રાણીઓ માટે સમૃદ્ધ પર્યાવરણ ઉપલબ્ધ છે.
સિંહની પુનઃસ્થાપન પ્રક્રિયા હેઠળ છેલ્લા વર્ષોમાં Habitat Restoration અને Prey Base વધારવા માટે સુવ્યવસ્થિત કામ થયું. વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશ્યો, અને ત્યારબાદ પાંચ માદા સિંહોના સ્થળાંતરથી અહીં નાનું પ્રાઇડ વિકસ્યું. ૨૦૨૫માં અહીં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ છે, જેને “પ્રોજેક્ટ લાયન” હેઠળ Satellite Population-8 તરીકે જાહેર કરવામાં આવી છે.
અભયારણ્યમાં વસતા આશરે ૧૨૦૦ માલધારી પરિવારો સાથે વન વિભાગ સહઅસ્તિત્વનું મોડેલ ઉભું કરી રહ્યું છે. સ્થાનિક સમાજના શિક્ષણ, આરોગ્ય, આજીવિકા તેમજ પશુ આરોગ્ય ક્ષેત્રે ઈકો-ડેવલપમેન્ટ કમિટીઓ મારફતે વિકાસ કાર્યક્રમો અમલમાં મુકાયા છે.
વૈજ્ઞાનિક સંરક્ષણમાં GPS ટ્રેકિંગ, ડ્રોન મોનીટરીંગ, કેમેરા ટ્રેપ, રાત્રિ પેટ્રોલિંગ સાથે શિકાર પ્રાણીઓના સંવર્ધન કેન્દ્રો, આક્રમક છોડની સફાઈ અને મોબાઇલ વેટનરી યુનિટનો સમાવેશ થાય છે.
પર્યટન અને જાગૃતિ માટે “બરડા જંગલ સફારી” શરૂ કરી છે, જેમાં પ્રશિક્ષિત સ્થાનિક માર્ગદર્શકો મુલાકાતીઓને સંવેદનશીલ રીતે અભયારણ્યનું અન્વેષણ કરાવે છે, સાથે રોજગારના નવા દરવાજા ખોલે છે.
નિષ્કર્ષે, બરડા અભયારણ્ય માત્ર સિંહના ગર્જનની નવી જગ્યા નથી, પરંતુ ગુજરાતના વન્યજીવન સંરક્ષણ અભિગમની જીવંત સફળતા છે, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણા રૂપ સાબિત થશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ