બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ બોગસ ઉભા કર્યા હતાં. માત્ર 15 હજાર બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી. જેથી પોલીસે મહિલાને બોગસ પૂરાવા આપનારાથી લઈને બોર્ડર પાર કરાવનારની વધુ તપાસ હાથ ધરી છે.
ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની SOGએ ધરપકડ કરી હતી.મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. તેણીની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું. સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટસ પણ બનાવ્યા હતા. મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી.