ધોરાજી પંથકમાંથી માનવતા નજરૂં થતી ઘટના સામે આવી છે. પાટણવાવ પોલીસ મથક હદમાં આવેલા ગામમાં રહેતા 50 વર્ષીય ખેડૂતે પોતાની જ 15 વર્ષની સાવકી પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ દુષ્કર્મના પરિણામે સગીરાએ બે માસનો ગર્ભ ધારણ કર્યો છે.
આ સમગ્ર બનાવની વિગતો અનુસાર પીડિત યુવતી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને માતા સાથે નિવાસ કરતી હતી. યુવતીના પેટમાં દુખાવાની ફરિયાદ બાદ, તબીબની તપાસ દરમિયાન તેના ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ જાણ થતા માતાના પગ નીચેની જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક તેણીએ પોતાની વાત ભાઈને કહી હતી, અને ભાઈ દ્વારા પોલીસ સ્ટેશને જઈ ગુનો નોંધાવ્યો હતો.
પીડિતાએ પોલીસ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું કે, તેણીના પિતાએ તેને અવારનવાર દુષ્કર્મનું શિકાર બનાવ્યું હતું અને પોતાના દુષ્કૃત્ય વિશે કાંઈ ન કહેશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ સમગ્ર મામલે પાટણવાવ પોલીસ મથકે પોક્સો એક્ટ તથા IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
આક્ષેપિત આરોપી ખેતીકામ કરી ગુજરાન ચલાવતો હતો અને તેના કૃત્યો સામે સમગ્ર ગામમાં લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્થાનિકોમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો છે અને આરોપી સામે ચોતરફથી ફિટકાર વરસી રહી છે.
વિશેષ માહિતી આપતાં ધોરાજી એએસપી સિમરન ભારદ્વાજે જણાવ્યું કે, “આ પ્રકારના પીડાદાયક ગુનાઓને લઈને પોલીસ સંપૂર્ણ સંવેદનશીલતા અને કાયદાની કડક અમલવારી સાથે તપાસ ચલાવી રહી છે. ગુનેગારને કાયદાના ચપેટમાં લેવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.”