
રાજકોટ, ૪ મે:
“જો બાળકો ભણશે નહીં, તો ન કરવાના કામ શીખશે…” — રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા વનિતા રાઠોડે મમત્વભર્યું અને ચેતવણીરૂપ સંદેશો આપ્યો છે. એક સચોટ ઘટના પરથી શીખ આપી છે કે સમાજમાં શિક્ષણથી વંચિત બાળક શા માટે ભટકાઈ શકે છે અને તેનું જવાબદાર કોણ?
વેકેશનનો પહેલો જ દિવસ… સાંજે ૫:૩૦ વાગે વનિતા બહેનને ફોન આવ્યો કે શાળામાંથી લોખંડનો ઘોડો ચોરી કરતાં ૧૨ વર્ષનો છોકરો પકડાયો છે. શાળાના સ્ટાફ અને આસપાસના રહીશોએ બાળકને પકડી પાડ્યો હતો. રહસ્ય ઉકેલતાં સામે આવ્યું કે બાળક બે વર્ષથી શાળાએ જતું નથી. એક મિત્રના પિતાએ પૈસાની લાલચ આપી તેને આ ચોરી કરવા કહ્યું.
શિક્ષિકા વનિતા બહેને કહ્યું કે, “આ બાળક તો એક માફક છે. ખરો ગુનેગાર એ વ્યક્તિ છે કે જેણે તેને પ્રેરણ આપી.” તેમણે એ પણ કહ્યું કે, આવા નાનકડા ગુનાઓ મોટી ચિંતાનું કારણ બની શકે છે જો સમયસર શિક્ષણ ન મળે.
તેમણે સમાજને જાગૃત કરતા કહ્યું:
“તમારા આસપાસ શિક્ષણથી વંચિત બાળક જોવો તો તેઓને નજીકની સરકારી શાળામાં દાખલ કરો. સરકારી શાળાઓમાં ફી નથી, ભોજન, પુસ્તકો, અને સારું માર્ગદર્શન બધું મળે છે. શિક્ષણનો અધિકાર ૬થી ૧૪ વર્ષની વયે દરેક બાળકનો હક છે – પણ તેનો અમલ આખા સમાજની જવાબદારી છે.”
ચોરી કરતા પકડાયેલા બાળકને વનિતા બહેને પોતાના શાળાના એસટીપી વર્ગમાં દાખલ કરવાનું નક્કી કર્યું છે. વેકેશન પછી તે શાળામાં ભણવા જશે – પણ વનિતા બહેનનો સ્પષ્ટ સંદેશ છે:
“આ એક બાળક માટે નહીં, દરેક બાળક માટે ભણવાનું દરવાજું ખુલ્લું હોવું જોઈએ.”
અહેવાલ: નિલેશ ભટ્ટ, ભુજ