જૂનાગઢ, તા. ૦૮ — ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના સમાજશાસ્ત્ર અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા, કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ, માનવતા અને સેવા ભાવના પર આધારિત એક અનોખો કાર્યક્રમ યોજાયો. રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ વિભાગના વિદ્યાર્થીઓએ જૂનાગઢના વિજાપુર ખાતે આવેલી અતિ દિવ્યાંગ બાળકોની સંસ્થા — સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત લઈ, બાળકો સાથે પ્રેમ અને સંગાથનો ઉત્સવ ઉજવ્યો.
વિદ્યાર્થીઓએ સંસ્થાનો ઇતિહાસ અને દિવ્યાંગ બાળકોના અભ્યાસ વિશે વિગતવાર જાણકારી મેળવી. માત્ર મુલાકાત જ નહીં, પરંતુ તેમણે જાતે રસોઈ બનાવી અને બાળકોને ભાવપૂર્વક જમાડ્યા, તેમજ સાથે બેઠીને જમવાનો આનંદ માણ્યો. આ દરમ્યાન, વિભાગની છાત્રાઓએ દિવ્યાંગ બાળકોના હાથમાં રાખડી બાંધી, ભાઈ-બહેનના પ્રેમનો સંદેશ આપ્યો.
કાર્યક્રમ દરમિયાન કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે વિદ્યાર્થીઓના સેવા કાર્યને બિરદાવી, સેવા-પરોપકારનું જીવનમાં મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે, “સેવાનો સાચો અર્થ છે પોતાના મન, વાણી અને વર્તન પારકાં માટે વાપરવા. નામ, માન-સન્માનનો મોહ રાખ્યા વિના, નાત-જાત-ધર્મના ભેદભાવ વગર દરેક જીવની મદદ કરવી એજ ઈશ્વરની સાચી આરાધના છે.” તેમણે ઉમેર્યું કે સેવા કરનારને અલૌકિક આનંદ અને આત્મસંતોષ મળે છે, જે કોઈ પણ ભૌતિક લાભ કરતા ઊંચું છે.
વિભાગપ્રમુખ પ્રો. જયસિંહ ઝાલાની આગેવાનીમાં ડો. પરાગભાઇ દેવાણી અને ડો. ઋષિરાજ ઉપાધ્યાય સહિત વિદ્યાર્થીઓએ આ પર્વને સેવા, સમર્પણ અને સંગાથના ભાવ સાથે ઉજવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું. કાર્યક્રમને સફળ બનાવવા સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના મહેન્દ્રભાઇ પરમાર અને સ્ટાફે મહત્વપૂર્ણ સહકાર આપ્યો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ