આંતરરાષ્ટ્રીય વિશ્વ માનવતા દિવસ નિમિત્તે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશ્યોલોજી અને સામાજિક કાર્ય વિભાગ દ્વારા વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં જોધપુર સ્થિત જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રો. કમલસિંહ રાઠોર મુખ્ય વક્તા તરીકે જોડાયા હતા.
વિશ્વ માનવતા દિવસ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૧૯ ઓગસ્ટે મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ માનવતાવાદી કાર્યકરો તથા માનવતા માટે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે. સાથે જ સમગ્ર વિશ્વમાં માનવતાવાદી મૂલ્યોને વ્યાપક સ્વીકાર અપાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
કુલપતિનો સંદેશ
યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે દુરવાણી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે –
“માનવતા એ માત્ર માનવજાતિ નહીં પરંતુ પ્રાણીમાત્ર પ્રત્યેની સંવેદના છે. આજે માનવ ભૌતિક સુખનો પૂજારી બની રહ્યો છે અને સંબંધો તથા દયા-ભાવના ભૂલતો જાય છે. ઈર્ષા અને વેરઝેરનો વિકાસ થઈ રહ્યો છે, જ્યારે માનવતા જેવા સંસ્કારોનો નાશ થઈ રહ્યો છે. તેથી આજના દિવસે આપણો સંકલ્પ માનવતાવાદી બનવાનો હોવો જોઈએ.”
મુખ્ય વક્તવ્ય
પ્રો. કમલસિંહ રાઠોરે પોતાના વક્તવ્યમાં માનવતાવાદના ચાર મુખ્ય સ્તંભો – માનવતા, તટસ્થતા, નિષ્પક્ષતા અને સ્વતંત્રતા – વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે માનવતાવાદના જનક હેનરી ડુનાન્ટ અને રેડક્રોસ સંસ્થાના કાર્યની ચર્ચા કરતાં કહ્યું કે –
“લોકો વિકાસ તરફ જેટલા આગળ વધી રહ્યા છે, એટલા માનવતાથી દૂર જઈ રહ્યા છે. વિશ્વ માનવતા દિવસ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ છે જેઓએ માનવતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. આ દિવસ કટોકટીમાં જીવતા લોકોના અસ્તિત્વ, સુખાકારી અને ગૌરવ માટે હિમાયત કરવાનો છે.”
કાર્યક્રમની વિશેષતાઓ
કાર્યક્રમની શરૂઆતમાં સમાજશાસ્ત્ર વિભાગના વડા પ્રો. જયસિંહ ઝાલાએ સ્વાગત ભાષણ આપ્યું અને માનવતાવાદનો પરિચય કરાવ્યો.
ઘોડાસરા કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો. ભરત વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડો. પરાગ દેવાણીએ કર્યું, જ્યારે આભાર પ્રદર્શન યુનિવર્સિટીના ડો. ઋષિરાજ ઉપાધ્યાયે વ્યક્ત કર્યું.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ