સુરત શહેરના અતિવ્યસ્ત અને લોકોથી ભરેલા વિસ્તાર ભાગળ ચાર રસ્તા પાસે આજે બપોરના સમયે એક ચાની લારી પર ચા બનાવતી મશીનમાં અચાનક ઉગ્ર ધડાકો થયો હતો. આ અચાનક થયેલા બ્લાસ્ટથી વિસ્તારમાં ઘભરાટ ફેલાઈ ગયો અને લોકોને એવું લાગ્યું કે કોઈ મોટો વિસ્ફોટ થયો હોય.
ઘટના સમયે લારી પર અનેક ગ્રાહકો ચા પીવા માટે ઉભા હતા, પણ ભગવાનની કૃપાથી કોઈને ગંભીર ઈજા થઈ નથી. લારી માલિકને સામાન્ય ઘાવ લાગ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ચાની લારીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે અને નજીકની અન્ય લારીઓને પણ નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતા તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વિસ્તારમાંથી લોકોને દૂર હટાવાયા હતા અને આસપાસના દુકાનદારોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગે બ્લાસ્ટના કારણો જાણવા માટે મશીનની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક અનુમાન મુજબ ચાની મશીનમાં ઓછા કવાલિટી કે ઓવરહિટિંગના કારણે આ વિસ્ફોટ થયો હોવાની શકયતા છે. લારીવાળાએ નિયમિત રીતે મશીનની સર્વિસિંગ કરાવ્યું ન હોવાની વાત પણ સામે આવી રહી છે.
પોલીસે લારી માલિકનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને ફોરેન્સિક ટીમ દ્વારા પણ સ્થળ પરથી નમૂનાઓ લેવામાં આવશે. ઘટના બાદ આસપાસના લારીઓના વેપારીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.
હાલ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રિત છે પરંતુ સુરક્ષા એજન્સીઓ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એવી મશીનો કે જેમના ઉપયોગમાં વિસ્ફોટનો ભય હોય, તેમની નિયમિત તપાસ અને મેન્ટેનન્સ કરવું અત્યંત જરૂરી છે.
અહેવાલ : પરવેજ (સુરત)