ભાવનગરના પાલિતાણા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભવ્ય રીતે ઉજવાશે.

આવતી 15 ઓગસ્ટ, 2025ના રોજ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે યોજાશે. આ સંદર્ભે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલની અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરે વિવિધ વિભાગો પાસેથી આયોજન સંબંધિત માહિતી મેળવી, કાર્યક્રમના સુચારુ આયોજન માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં નીચેના મુદ્દાઓ પર વિશેષ ભાર મુકાયો:

  • કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થાનું સુચારુ આયોજન

  • પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ

  • સતત વીજ પુરવઠાની સુનિશ્ચિતતા

  • સ્થળની સાફસફાઈ અને સૌંદર્યવધારક સજાવટ

  • સરકારી કચેરીઓ ખાતે રોશની અને રંગરોગાન

  • સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારી

  • સ્થળ પર મેડિકલ ટીમ અને તાત્કાલિક સારવારની સુવિધા

બેઠકમાં પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, પાલિતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારૈયા, પાલિતાણા પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવ્યું કે, દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીને યાદગાર બનાવવા માટે તમામ વિભાગો તનતોડ મહેનત સાથે કાર્યરત છે.

અહેવાલ: સતાર મેતર, સિહોર