ગાંધીનગર માહિતી નિયામક કચેરીમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા યુ.જે. બરાળ તેમના વયનિવૃત્તિ પ્રસંગે ભાવનગર ખાતે ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાયબ માહિતી નિયામક આર.એસ. ચૌહાણની અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સમગ્ર માહિતી પરિવારના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉપસ્થિત રહીને બરાળને સ્વસ્થ, સુખાકારી અને પ્રવૃત્તિમય નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆત ભાવનગર જિલ્લા માહિતી કચેરીના જુનિયર ક્લાર્ક જયરાજસિંહ પરમારના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ યુ.જે. બરાળના કારકિર્દી જીવન પર પ્રકાશ પાડતાં તેમને કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અધિકારી તરીકે વર્ણવ્યા હતા.
વિદાય સમારંભમાં અમદાવાદના સહાયક માહિતી નિયામક અમિતભાઈ રાડિયા, રાજકોટ સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ, બોટાદ કચેરીના ભરતભાઈ દેત્રોજા, તાલુકા વિકાસ અધિકારી જે.આર. ગોહિલ, પૂર્વ સહાયક માહિતી નિયામક જગદીશભાઈ સત્યદેવ સહિતના અધિકારીઓએ બરાળ સાથેના સંસ્મરણો વહેંચતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે બરાળને જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળ તથા મેમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિદાય સમારોહમાં માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે સિનિયર સબ એડિટર સુનીલ મકવાણાએ આભારવિધિ આપી હતી.
બરાળની કારકિર્દી યાત્રા:
યુ.જે. બરાળે વર્ષ ૧૯૮૭માં ગઢડા પ્રચાર એકમમાં જુનિયર ક્લાર્ક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ બોટાદ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ભાવનગર અને અંતે ગાંધીનગર વડી કચેરી ખાતે વિવિધ જવાબદારીભરી ફરજો બજાવી હતી.
તાજેતરમાં જ તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ તેમને સહાયક માહિતી નિયામક વર્ગ-૨માં બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી આપવામાં આવી હતી.
આ વિદાય સમારોહમાં ભાવનગર, રાજકોટ, બોટાદ, અમરેલી તથા ગાંધીનગરમાંથી અનેક અધિકારીઓ, કર્મચારીઓ, પત્રકારો તેમજ યુ.જે. બરાળના પરિવારજનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📌 અહેવાલ: સતાર મેતર, ભાવનગર