મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી તા.૩ થી તા.૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણીઃ તા.૧૧ નવેમ્બરથી ખરીદી

જૂનાગઢ

ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી થશે. ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે રૂ.૬,૭૮૩, મગ રૂ.૮,૬૮૨, અડદ રૂ.૭,૪૦૦ અને સોયાબિન રૂ.૪,૮૯૨ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ઉક્ત ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી તા.૧૧ નવેમ્બર, ૨૦૨૪થી શરૂ થશે.

ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૩ થી તા.૩૧ ઓકટોબર-૨૦૨૪ સુધી રજિસ્ટ્રેશન કરાવવું. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર થઇ શકશે.

આ અંગેની વધુ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ અથવા તલાટી મંત્રીશ્રીનો સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)