મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત દર માસનો પ્રથમ શનિવાર રોજગાર દિવસ તરીકે ઊજવાશે.પ્રથમ તબક્કામાં બોટાદ જિલ્લાના ૧૭ ગામોમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.

બોટાદ

મહાત્મા ગાંધી નરેગા યોજના ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો/કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી નરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવુ તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાના માર્ગદર્શન થકી બોટાદ જિલ્લામાં ૬ જુલાઈના રોજ પ્રથમ શનિવારે ૧૭ ગામોમાં પ્રથમ તબક્કામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અગામી દરમાસના પ્રથમ શનિવારે રોજગાર દિવસ તરીકે બાકી ગામોમાં ઊજવણી કરાશે જે અંગે તમામને સુચના આપવામાં આવી છે. ૧૭ ગામોમાં યોજવામાં આવેલા પ્રથમ તબક્કાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી બી.એ.પટેલના માર્ગદશન હેઠળ નરેગા નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ભરતસિંહ ગોહિલ અને તાલુકા નરેગા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

મનરેગા અંતર્ગત બોટાદ જિલ્લાના ૧૭ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને શ્રમિકોને મનરેગા યોજના અને વિવિધ કામો વિશે વિશેષ માહિતીગાર કરી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યકમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય માહિતી જેવી કે જોબકાર્ડ, ૧૦૦ દિવસની રોજગારી, વિવિધ કામોની શક્યતાઓ, કામનું આયોજન જેવી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ મહાત્મા ગાંધી નરેગા ગ્રામ રોજગાર દિવસ કાર્યકમ ગ્રામ પંચાયત પ્રમુખશ્રી/સરપંચશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યા જેમાં ગ્રામ્ય પંચાયત પ્રતિનિધિશ્રી તેમજ પંચાયત લેવલ ઓફિસ-તલાટીશ્રી, ગ્રામ રોજગાર સેવક/મેટ/સ્વસહાયજૂથ ફેડરેશનના સભ્યો/સામાજિક ઓડીટ ટીમ તાલુકા રિસોર્સ પર્સન અને વિલેજ રિસોર્સ પર્સન વગેરેએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના કામોની ચર્ચા તથા રજુ થયેલ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ.

અહેવાલ -લાલજી ચાવડા (બોટાદ)