જૂનાગઢ
ભારત સરકારશ્રીના પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસને પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. મહાનગરપાલિકા, જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી એનિમિયા નિવારણ , ગ્રોથ મોનીટરીંગ, જરૂરી સેવા વિતરણ તેમજ પોષણ ભી પઢાઈ ભી , બાળકોને પોષણક્ષમ આહાર પુરો પાડવા સહિતની થીમ મુજબની પ્રવૃતીઓ સાથે કરવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થકી પોષણ માહ – ૨૦૨૪ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. રાષ્ટ્રના નિર્માણના પાયામાં બાળકો રહેલા છે, અને આ બાળકોનો તમામ રીતે વિકાસ થાય તેની સૌ પ્રથમ જવાબદારી આંગણવાડીઓની હોય છે આ સુત્રને સાર્થક કરવા આજરોજ આઈ.સી.ડી.એસ. શાખાના તાબા હેઠળના ઘટક જૂનાગઢ-૧ (અર્બન) ના આંબેડકર સેજાના શીતલા કુંડ-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે “સ્વસ્થ બાળક સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યુ.
આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ડોલીબેન દોશી દ્વારા સદર ઉજવણીમાં આંગણવાડી કેન્દ્ર ખાતે નોંધાયેલ બાળકોના વજન ઉંચાઇ કરી વૃધ્ધિ નિરિક્ષણ કરવામાં આવ્યુ. અધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી કાર્યકરને સાચી પદ્ધતિથી બાળકોના વજન અને ઊંચાઈ કરવા યોગ્ય માર્ગદર્શન આપી ૬ માસથી ૩ વર્ષ ના બાળકો (લાભાર્થીઓને) ‘ટેક હોમ રાશન’ (બાલ શક્તિ) માંથી બનતી વાનગી અને તેમાંથી મળતા પોષણ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
પોષણ માહની કેન્દ્રતિ થીમ “ગ્રોથ મોનીટરીગ” એટલે કે વૃધ્ધિ નિરિક્ષણ દ્વારા બાળકોના વૃધ્ધિ ની પરખ કરવા મહાનગરપાલિકા જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પણ આજરોજ “સ્વસ્થ બાળક સ્પર્ધા” નું આયોજન કરી બાળકોના વજન ઉંચાઈનું માપન કરી આંગણવાડી કાર્યકરો દ્વારા તથા સેજા સુપરવાઈઝરશ્રીઓ દ્વારા બાળકોના વાલીઓને પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ આમ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયુ.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)