મહાશિવરાત્રીના મેળામાં ૫૦ જેટલી દુકાનોમાં દાઝયા તેલની તપાસ કરાઈ : ૧૦ કિલોગ્રામ વાસી ખોરાકનો નાશ કરાયો!

મહા શિવરાત્રીના મેળામાં ફૂડ એન્ડ ડ્રગ, પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચેકીંગ

મેળામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં ૧૩૦ દુકાનદારોને ત્યાં ચેકીંગ કરાયું

જૂનાગઢ, તા.૨૫: મહાશિવરાત્રીના મેળા દરમિયાન ખાસ ભાવિકોનું આરોગ્ય જોખમાઈ નહીં તે માટે પણ તંત્ર દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.
મહાશિવરાત્રીના મેળામાં ફૂડ એન્ડ ડ્રગ, પુરવઠા અને તોલમાપ વિભાગ કચેરી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે. ૫૦ જેટલી દુકાનોમાં દાજીયા તેલની તપાસ કરવામાં આવી છે. ઉપરાંત ૧૦ કિલો જેટલા વાસી ખોરાકના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો છે.
મહાશિવરાત્રીના મેળામાં નાગરિકોને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરે ત્યારે તોલમાપમાં છેતરપીડીનો ભોગ ન બને તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ખાદ્ય પદાર્થો બનાવતી પેઢીઓ દુકાનો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જેમાં પાણીપુરી, ફાસ્ટફૂડ અન્નક્ષેત્ર, રેસ્ટોરન્ટ સહિતની વેચાણ કરતી લારી ગલ્લા, દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, પુરવઠા અને તોલમાપ વિભાગની સંયુક્ત ટીમે ૧૩૦ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી અને ૧૦ જેટલા રેસ્ટોરન્ટમાંથી રાંધેલા ખોરાકના સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ૫૦ જગ્યાઓએ દાઝયા તેલનું ચેકીંગ કરવામાં આવ્યું છે. અને ૧૦ કિલો વાસી ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ