મહાશિવરાત્રી મેળો-૨૦૨૫, શ્રદ્ધાળુઓને પીવાનુ પાણી પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ.

સમગ્ર મેળા દરમિયાન ૧૦ થી ૧૨ એમએલડી પાણીનો વપરાશ થશે
૫ હજાર લીટરની ૫૦-૬૦ ટાંકીઓ મૂકી રાઉન્ડ ઘ ક્લોક ૮ ટ્રેક્ટર ટેન્કર દ્વારા રીફીલિંગ કરાશે

ઉતારાઓ,મુખ્ય રસ્તાઓ, પાર્કિંગ સહિત સ્થળે પાણી વિતરણ કરાશે
મૃગીકુંડ તેમજ દામોદર કુંડના પાણીને શુદ્ધ કરી લિક્વિડ ક્લોરીનિકેશન કરાશે

સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના અંતર્ગત ૫૦ ટકા ટેન્કર મુક્ત પાણી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરાઈ

જૂનાગઢ તા.૨૧- ભવનાથમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો એટલે ભક્તિ-ભજન અને ભોજનનો મેળો, ત્યારે આ મેળામાં તંત્ર દ્વારા પીવાના પાણીની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

શ્રદ્ધાળુઓને પીવા માટે સમગ્ર મેળા દરમિયાન ૧૦ થી ૧૨ એમએલડી પાણીની જરૂરિયાત હોય તંત્ર દ્વારા આ વ્યવસ્થા પુરી કરવામાં આવી છે. વોટર શાખા દ્વારા ૫ જેટલા કુવા, ૧૬ જેટલા બોર દ્રારા તેમજ બાકીના વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે. દર વર્ષે વિવિધ ટેન્કરો મારફત પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ત્યારે ભવનાથ વિસ્તારમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના પ્રગતિ હેઠળ હોય આ યોજના દ્રારા આ મેળામા ૫૦ ટકા ટેન્કર મુક્ત પાણીની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. રીંગરોડ આસપાસ નળ દ્વારા પાણી વિતરણ કરાશે. વિવિધ ઉતારાઓમાં પાઇપલાઇન નેટવર્ક ધરાવતા વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાત મુજબ પાણી વિતરણ કરાશે.

ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ હોય, કુલ ત્રણ સ્થળો જેમાં અશોક શિલાલેખ, ઇન્દ્રભારતી ગેટ પાસે તેમજ મંગલનાથ બાપુ જગ્યાની સામે ૨૦-૨૦ લીટરના જગ દ્વારા આ.રો.પાણીની વ્યવસ્થા કરી છે જેથી મેળામાં આવતા શ્રદ્ધાળુઓને પીવાનું પૂરતું પાણી મળી શકે તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકાય. ભવનાથ વિસ્તારમાં મેળા દરમિયાન પીવાના પાણીના દરેક સોર્સમાં ક્લોરીનેશન કરવામાં આવશે તેમજ ક્લોરિન ટેબલેટનું વિતરણ પણ કરાશે, ધાર્મિક સ્થળો જેવા કે મૃગીકુંડ તેમજ દામોદર કુંડના પાણીને શુદ્ધ કરવા માટે લિક્વિડ ક્લોરીનેશન કરાશે.

મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેરશ્રી અલ્પેશ ચાવડાએ કહ્યુ હતું કે, ભવનાથ વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત હોય પ્લાસ્ટિકની પાણીની બોટલોની સખત મનાઈ હોય ત્યારે યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પરબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત જયાં પાર્કિંગના સ્થળોએ પણ યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શૌચાલય તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મોબાઇલ ટોયલેટ અને કાયમી ટોયલેટમાં પણ પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સંસ્થાઓના સહયોગથી પાણીના પરબ કાર્યરત હોય ત્યારે સંસ્થાઓ દ્વારા કાર્યરત આ તમામ પરબને પણ પાણીની સુવિધા પૂરૂ પાડવામાં આવશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)