અમદાવાદ: મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકપ્રિય ગાયક માયાભાઈ આહીરની તબિયત અચાનક લથડી હતી. સોમવારે, 10મી ફેબ્રુઆરીની રાત્રે, ડાયરો શરૂ થાય તે પહેલા જ માયાભાઈ અચાનક અસ્વસ્થ થયા, જે બાદ તેઓને તાત્કાલિક અમદાવાદની એપેક્ષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો થયો છે અને તેમણે ચાહકોને ચિંતા ન કરવા માટે સંદેશો પાઠવ્યો છે.
સ્ટેજ પર ચડતાની સાથે તબિયત લથડી, છતાં સંગીત ચાલુ રાખવા હતો આગ્રહ
માહિતી મુજબ, કડીના ઝુલાસણ ગામે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત “પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ ડો. પરિવાર અનુપમ પ્રાથમિક શાળા”ના ઉદ્ઘાટન સમારોહ માટે ભવ્ય લોક ડાયરો અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે રાત્રે, માયાભાઈ આહીર સ્ટેજ પર પ્રવેશ કરતા જ તેમની તબિયત અચાનક લથડી, છતાં તેઓએ પ્રોગ્રામ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો.
હાલત વધુ બગડતા, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને અમદાવાદની એપેક્ષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલથી ચાહકો માટે માયાભાઈનો સંદેશ
હવે માયાભાઈ આહીરની તબિયત સુધરી રહી છે અને તેમણે ચાહકો માટે એક વિડિયો સંદેશ મોકલ્યો છે.
🗣 “જય સિયારામ! ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, હું એકદમ રેડી છુ.”
તેમના સ્વાસ્થ્યમાં સુધારો થતાં ચાહકોમાં હાશકારો છવાઈ ગયો છે.
પ્રશંસકોમાં હાશકારો, આગામી કાર્યક્રમો પર ધ્યાન
માયાભાઈના અચાનક અસ્વસ્થ થતાં ચાહકો ચિંતિત થઈ ગયા હતા, પરંતુ હવે તેઓ સ્વસ્થ બની રહ્યા છે. હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે, અને તેમના આગામી કાર્યક્રમો અંગે ટૂંક સમયમાં જાહેરાત થવાની સંભાવના છે.
અહેવાલ: ગુજરાત બ્યુરો