માળીયા હાટીના, તા. 13 એપ્રિલ – માળીયા હાટીના તાલુકાના જસાપરા વિસ્તારમાં આવેલા જયશ્રી બાલાજી હનુમાનદાદા મંદીર ખાતે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ અને સેવાનાં આ ભવ્ય સમારંભે સમગ્ર વિસ્તાર ભક્તિમય થઈ ઉઠ્યો હતો.
આ અવસરે વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1700થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. પ્રસાદ વિતરણ એકદમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ભક્તો અને નવયુવાનોની મહત્વની ભૂમિકા રહી હતી.
જયશ્રી બાલાજી હનુમાન ગ્રુપ દ્વારા દર શનિવારે ગૌસેવાના ભાગરૂપે ગાયોને લાડુ અર્પણ કરવામાં આવે છે અને દર પૂનમના દિવસે બટુક ભોજનની યથાવત પરંપરા પણ નિભાવવામાં આવે છે. હનુમાન જયંતિના પાવન અવસરે વિશેષ બટુક ભોજનનું વિશાળ આયોજન પણ યોજાયું હતું, જેમાં બાળકો માટે વિશેષ ભોજન અને ભક્તિમય માહોલ ઉભો થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસાપરા પ્લોટ વિસ્તારના તમામ રહેવાસીઓએ સહયોગ આપી ઉત્સાહવર્ધક ભૂમિકા ભજવી હતી. બાલાજી હનુમાન ગ્રુપના નવયુવાનોના સમર્પિત પ્રયત્નો અને સંઘઠનશીલતા દ્વારા સમગ્ર કાર્યક્રમને અનોખી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી.
ગૌસેવા અને સમાજસેવામાં પહેલેથી ઓળખ ધરાવતા યુવાનોની ટીમે અહીં ફરી એકવાર હનુમાન દાદાના નામે સમર્પિત ભક્તિની સુંદર છાપ છોડી હતી. આ ભવ્ય આયોજનથી માળીયા હાટી વિસ્તાર ફરી એકવાર ભક્તિમય છાંયામાં ખીલ્યો હતો અને સમગ્ર સમાજમાં ધાર્મિક ઉજવણીનો ભાવ ઊંડો થયો હતો.
અહેવાલ: [પ્રતાપ સીસોદીયા, માળીયા હાટીના]