મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે કલેક્ટર ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ! નાટક, સેમિનાર, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટથી નાગરિકોને સંદેશ.

પર્યાવરણ જાળવણી અને ઊર્જા બચત માટે યોજાયેલ મિશન લાઈફ અભિયાન હવે વધુ ગતિશીલ બન્યું છે.

જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મિશન લાઈફના આગામી કાર્યક્રમોની યોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરે જણાવ્યું કે, “મિશન લાઈફ” નો મુખ્ય ઉદ્દેશ જાગૃત નાગરિકો અને ભવિષ્યની પેઢીને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી તરફ દોરવાનો છે.

તેમણે નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ, માય થેલી અભિયાન, જાડા ધાન્યના ઉપયોગ, અને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ જેવા પગલાં અવલંબવાની પણ અપીલ કરી.

મિશન લાઈફના કો-ઓર્ડિનેટર આશુતોષ રાવલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઊર્જા બચત અને પ્રાકૃતિક સંશાધનોના યોગ્ય ઉપયોગ વિશે વિગતવાર માહિતી આપી.

રાવલે જણાવ્યું કે આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમોમાં નાટકો, સ્પર્ધાઓ, તાલીમ, મિળેટ્સ વાનગીઓના મેળા, ઝીરો વેસ્ટ વર્કશોપ અને વેસ્ટ મેનેજમેન્ટ સેમિનારનો સમાવેશ થશે.

આ અભિયાન દ્વારા લોકોમાં ઘરે અને શાળામાં ઊર્જા બચતના સરળ ઉપાયો, સોલાર ઉર્જા, અને જળશક્તિ અભિયાન જેવી યોજનાઓ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને મિશન લાઈફના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં પર્યાવરણ જાગૃતિ માટેનું આ અભિયાન આવનારા દિવસોમાં નાગરિકોમાં નવો ઉત્સાહ અને દ્રષ્ટિકારક પરિવર્તન લાવશે તેવી આશા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.